વડોદરા: કોરોનાની સારવારમાં મહત્વના ગણાતા રેમડેસિવિરની અછત વચ્ચે મેડિકલ માફિયાઓ એક્સપાયરી ડેટ બદલીને નવું લેબલ લગાડી દર્દીઓના જીવ સાથે જોખમ સર્જી રહ્યા હોવાની રજૂઆતને પગલે રેસિડેન્ટ કલેક્ટર દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તપાસનો આદેશ કર્યો છે. ઝાયડસ કેડિલા કંપનીના ત્રણ મહિનાની વેલીડીટી ધરાવતા રેમડેસિવિર ઇન્જેક્શન પર નવું સ્ટીકર લગાવી તેની વેલીડીટી ૧ વર્ષની કર્યા બાદ ઇન્જેક્શનનો જથ્થો મેડિકલ માફિયાઓએ માર્કેટમાં ઉતાર્યો હોવાના આક્ષેપ કરી ટીમ રિવોલ્યુશનને ઇન્જેક્શનના જથ્થાને માર્કેટમાંથી પાછો ખેંચવા માટે રજૂઆત કરી છે. મહામારીની આફતને અવસરમાં ફેરવી નાખવા મેડિકલ માફિયાઓ સક્રિય થયા હોવાની આ અંગે કડક કાર્યવાહી કરવાની માગ કરાઇ છે. આ અંગે ઝાયડસ કેડિલા કંપનીના સત્તાધીશોનો સંપર્ક થઇ શક્યો ન હતો.