વડોદરાઃ મહાપાલિકાના વોર્ડ નં-૯ના સફાઈ કર્મચારીનું સુદામાપુરી હેલ્થ સેન્ટર ખાતે કોરોના વિરોધી રસી લીધા બાદ ગણતરીના કલાકોમાં તાજેતરમાં શંકાસ્પદ મોત નીપજ્યું હતું. જેથી સયાજી હોસ્પિટલમાં પરિવારજનોએ રસીને કારણે મોત થયું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો.
વડોદરાના વડસર વિસ્તારમાં ઓમ રેસીડન્સીમાં પરિવાર સાથે રહેતા ૩૦ વર્ષીય જીજ્ઞેશભાઈ પ્રવીણભાઈ સોલંકી વોર્ડ નં-૯માં કાયમી સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. તાજેતરમાં સવારે જીજ્ઞેશભાઈ ફરજ પૂરી કરીને ઘરે પરત ફરતા હતા ત્યારે રસી મુકાવા માટેનો ફોન આવ્યો હતો. તેઓ સુદામાપુરી હેલ્થ સેન્ટર ખાતે રસી મુકાવા ગયા હતા.
જીજ્ઞેશભાઈ ઘરે ગયા બાદ તેમને એકાએક ચક્કર આવ્યા અને તેઓ બેભાન થઈને ઢળી પડયા હતા. પરિવારજનો તેમને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત હાલતમાં લાવેલા હોવાનું જણાવ્યું હતું. સફાઈકર્મીના મૃત્યુ બાદ તેમનાં પત્નીએ જણાવ્યું કે, કોરોનાની રસી લીધા બાદ મારા પતિનું મોત થયું છે, જવાબદારી કોની? જોકે આ કેસની તબીબી તપાસ શરૂ થઈ છે. હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો. રંજન ઐયરે કહ્યું કે, તેમને ભૂતકાળમાં હદયની બીમારી પણ હતી. તેમણે અને પરિવારે બીમારી અંગે યોગ્ય સારવાર - ફોલોઅપ ન રાખ્યું હોય તેવું માનવું છે. હૃદયની બીમારીથી મોત થયાની શંકા છે.