વડોદરાઃ કોયલી ગામના ૧૯ વર્ષના યુવક અશ્વિનસિંહ રામસિંહ ચૌહાણ (ઉ. ૧૯)ને કોરોના ભરખી ગયો હોવાના અહેવાલ છે. ખેતમજૂરી કરતા આ યુવક અશ્વિનને હોસ્પિટલમાં ભરતી કરાયાના ૨૪ કલાકમાં જ ૧૪મી જૂને તેનું મોત થયું હતું. આ મોતની ઘટના સાબિત કરે છે કે કોરોના કેટલો ખતરનાક વાઇરસ છે. ૧૯ વર્ષના યુવકનું કોરોનાના કારણે મોત થયું હોય તેવી વડોદરામાં આ પ્રથમ ઘટના છે. કોયલીમાં ઇન્દિરાનગરમાં જોગણી માતાના મંદિર પાસે રહેતા અશ્વિનને ૧૩મી જૂને બપોરે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને રવિવારે બપોરે બે વાગ્યે તો તેનું મોત થયું હતું.
તબીબોએ જણાવ્યું છે કે હોસ્પિટલમાં ભરતી કરાયાના ૨૨ કલાકમાં જ અશ્વિનનું મોત થયું છે. અશ્વિનને હોસ્પિટલમાં લાવ્યા તે પહેલાં જ તેના શરીરમાં કોરોના વકરી ગયો હતો. અશ્વિનસિંહના ભાઇનું કહેવું છે કે અશ્વિન સ્વસ્થ હતો. ૧૨મી જૂને તો તે બાજરો કાપવા માટે ખેતરમાં પણ ગયો હતો, પણ બે ત્રણ દિવસથી તેને નબળાઇ લાગતી હતી તેથી તેને શનિવારે દાખલ કરાયો હતો.
ગોત્રી હોસ્પિટલના ડોક્ટરનું કહેવું છે કે અશ્વિનને હોસ્પિટલમાં લવાયો ત્યારે કોરોના તેના શરીરમાં વકરી ગયો હતો. તેનું બ્લડ પ્રેશર ડાઉન હતું. કિડની ડેમેજ થઇ ગઇ હતી. ફેંફસાંમાં ન્યૂમોનિયા ફેલાઇ ગયો હતો. એનો અર્થ એ કે મલ્ટી ઓર્ગન ફેઇલ્યોર જેવી સ્થિતિ હતી. તેને બચાવવાના પૂરતા પ્રયત્નો કરાયા હતા, પરંતુ તેની સ્થિતિ એ હદે ખરાબ હતી કે ડોક્ટરોને સફળતા મળી
ન હતી.