વડોદરાઃ કોલેજિયન યુવક-યુવતીઓને ટાર્ગેટ બનાવી નશીલા પદાર્થોનો કારોબાર કરતા વડોદરાના ૨૦ જેટલા નાના ડ્રગ પેડલરોની માહિતી પોલીસને મળતાં તમામનાં નામ-સરનામાં મેળવીને તપાસ શરૂ કરાઇ હોવાના અહેવાલ ૨૭મી મેએ હતાં. મેથામ્ફેટામાઇનના જથ્થા સાથે ઝડપાયેલા બે ડ્રગ પેડલરોની તપાસ કરાઈ હતી.
સુરત અને સેલવાસમાં પણ તપાસ દરમિયાન નશીલા પદાર્થોના કારોબારમાં સંડોવાયેલાં તત્ત્વોને ત્યાં પોલીસે તપાસ કરી હતી. એ પછી રાજસ્થાનના ડ્રગ્સ માફિયા દ્વારા વડોદરામાંથી ઓપરેટ થતાં ડ્રગ્સ નેટવર્કમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કામ સંભાળતા ત્રણ એજન્ટના નામો પણ ખૂલ્યાં હતાં.
મેથામ્ફેટામાઇનના જથ્થા સાથે બે પેડલરો ઝડપાયા
એસઓજીએ દેણા ચોકડી પાસેથી સ્કોર્પિયોમાં પસાર થતા નરેન્દ્ર ચૌધરી અને પંકજ માંગુકિયાને આશરે રૂ. ૫૦ લાખના ૪૭૦ ગ્રામ મેથામ્ફેટામાઇન સાથે ઝડપી લીધા હતા. બંનેની ઊંડી તપાસ માટે ૭ દિવસના રિમાન્ડ મળ્યા હતા. બંનેની પૂછપરછમાં વડોદરામાં ૨૦ જેટલા નાના ડ્રગ પેડલરોની માહિતી પોલીસે મેળવી હતી. ડ્રગ પેડલરોનાં નામ-સરનામાં અને કોલ ડિટેઇલના આધારે વધુ તપાસ કરાઈ હતી. જોકે કેટલાક ડ્રગ પેડલરો ભૂગર્ભમાં ઊતરી ગયા હોવાનું બહાર આવ્યું હતું.
સુરત ગયેલી એસઓજીની ટીમની તપાસમાં સુરત અને સેલવાસમાં પણ મોટા પ્રમાણમાં ડ્રગ સપ્લાય થતું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મધ્ય ગુજરાત અને દ. ગુજરાતના કેટલાક નાના ડ્રગ પેડલરોને ત્યાં તપાસ પણ કરી હતી, પણ નક્કર માહિતી મળી ન હતી. જોકે એ પછી આ પ્રકરણમાં વધુ માહિતી મળવા પામી હતી.
બે પેડલરોની તપાસઃ ૩ ડ્રગ્સ એજન્ટનાં નામ ખૂલ્યાં
રાજસ્થાનના નરેન્દ્ર ઉર્ફે ચેનારામ ચૌધરી અને વડોદરાના સાગરીત પંકજ માંગુકિયાની ધરપકડ બાદ બંનેની સઘન પૂછપરછ કરતાં વડોદરામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓપરેટ થતાં ડ્રગ્સ કૌભાંડની માહિતી મળી હતી.
એસઓજીએ ૨૯મી મેએ કહ્યું હતું કે બંને ડ્રગ્સ કેરિયર નરેન્દ્ર અને પંકજ પાસે મિત્તુલ આડોદરા (રહે. લાલપુર, મોરબી) અનુરાગ ઉર્ફે અન્નો (રહે. સુરત મૂળ. જામનગર) અને મનિષ ઉર્ફે મનદીપ ડ્રગ્સનો જથ્થો લઈ જતા હતા. નરેન્દ્ર ડ્રગ્સ લાવે એટલે પંકજ ત્રણેય એજન્ટોને વડોદરા બોલાવી લેતો હતો અને ત્યારબાદ ત્રણેય એજન્ટો પોતાનું કમિશન ચઢાવીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માલ સપ્લાય કરતા હતા. ત્રણ એજન્ટો પૈકી મિત્તુલ મોરબી અને આસપાસના વિસ્તારોમાં ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની તેમજ અનુરાગ ઉર્ફે અન્નો સુરત તેમજ અન્ય શહેરોમાં અને મનિષ સૌરાષ્ટ્રમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા હોવાની વિગતો ખૂલતા પોલીસે ત્રણેયની તપાસ શરૂ કરી છે.