વડોદરાઃ શહેરમાં નશીલા દ્રવ્યોના રવાડે ચડેલા યુવાધનને અટકાવવા ક્રાઇમ બ્રાન્ચે જુદી જુદી ૧૦ ટીમો બનાવી ૨૨મીએ શહેરભરમાં એક સાથે પાંચ કલાક સુધી ચેકિંગ કરતાં ૫૬ યુવક-યુવતીઓ નશામાં ઝૂમતા પકડાયાં હતાં. પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબીની મહિલા સુરક્ષાકર્મીઓ સહિતની ૧૦ ટીમો બનાવી જુદા જુદા ૧૦ વિસ્તારો નક્કી કરીને સાદા વેશમાં તપાસ આદરી હતી. રાતે ૮.૩૦ વાગે એક સાથે ચેકિંગ શરૂ થયું હતું. પોલીસે પાંચ કલાકમાં પકડેલા ૫૬ નશાબાજમાંથી સાત વિદ્યાર્થિનીઓ અને સાત સગીર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.