વડોદરાઃ વાઘોડિયા તાલુકામાં આવેલા રૂસ્તમપુરા ગામમાં ઈદ્રીશ ખત્રીની અનાજ કરિયાણાની દુકાન છે. દિવાળીને લીધે દીવડા અને ફટાકડાનો જથ્થો પણ વેચવા માટે તેમણે દુકાનમાં મૂક્યો હતો. ૨૮મી ઓક્ટોબરે સાંજે તે દુકાનમાં કોઈક કારણથી ફટાકડા સળગીને આડેધડ ફૂટ્યા હતા. ફટાકડાના ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી. આગે આજુબાજુ દુકાનો અને મકાનોને પણ લપેટમાં લીધા હતા.
લાકડાના સ્તંભ પર બનાવેલા જૂના મકાનો હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી. આગને કારણે તે દુકાનો અને મકાનોમાંથી ચીસાચીસ થઈ હતી. આગમાં ફસાયેલા લોકોને બચાવવા વાઘોડિયા, ડભોઈ અને વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તેમજ ગેઈલ કંપનીના ફાયર ફાઈટરોની મદદ લેવાઈ હતી. ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી, પરંતુ કાટમાળ હટાવતા બે નાના બાળકો, એક મહિલા અને પાંચ માણસો મળીને કુલ આઠ લોકો આગમાં જીવતાં ભડથું થઈ ગયા હતા. તે સિવાય ચાર જણા ગંભીર રીતે દાઝી ગયા હતા. તે ચારે ગંભીર ઈજાગ્રસ્તોને ડભોઈ અને પીપળીયા ખાતેની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.