વડોદરાઃ મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ રાજ્યનું પ્રથમ સોલાર પાવર સંચાલિત મ્યુઝિયમ બનશે. મ્યુઝિયમની છત પર સોલાર રૂફટોપ પ્લાન્ટ જુલાઈ મહિનામાં કાર્યરત થશે. મ્યુઝિયમની ૫૦ ટકા વીજ જરૂરિયાત સોલર પાવરથી પૂર્ણ થશે. રાજ્યમાં સરકારી ઇમારતો, ખાનગી બાંધકામમાં સોલાર પાવરનો ઉપયોગ કરવાનું ચલણ વધી રહ્યું છે, પરંતુ રાજ્યમાં પ્રથમ વખત ઐતિહાસિક મૂલ્ય ધરાવતા મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ રૂફટોપ સોલાર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે. વધુ માહિતી આપતા ટેક્સો એનર્જીના કિન્નરી હરિયાણીએ જણાવ્યું હતું કે, મહારાજા ફતેસિંહ મ્યુઝિયમની વીજળીની કુલ જરૂરિયાત ૧૧ કે ડબ્લ્યુ છે. તેની સામે ૫.૨ કે ડબલ્યુની ક્ષમતા વાળો સોલાર રૂફટોપ પ્લાન્ટ લગાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. જેથી મ્યુઝિયમની વીજળીની ૫૦ ટકા જરૂરિયાત સોલાર પાવર દ્વારા પૂર્ણ થશે. આગામી એક મહિનામાં મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમમાં લગાડવામાં આવેલા પ્લાન્ટ સંપૂર્ણ પણે કાર્યરત થશે.