વડોદરા: શહેરના જાગૃત નાગરિકો દવારા તાજેતરમાં કામનાથ મહાદેવ મંદિરના ઓવારા સાફ કરવામાં આવતા ૭૦૦ વર્ષ જૂની ગુફાઓ સાથે મીઠા પાણીનુ ઝરણું મળી આવ્યું હતું. વડોદરાના દીર્ઘદ્રષ્ટા રાજવી સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા ૭૦૦ વર્ષ અગાઉ શહેરની રક્ષા માટે નવનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. શહેરના દરેક મંદિરો પાસે બનારસ ઘાટની પ્રતિકૃતિ સમાન ઘાટ બનાવાયા હતા. સમય જતાં કચરો અને ડ્રેનેજની લાઈનો વિશ્વામિત્રી નદીમાં જોડી દેવાતા નદી કિનારે આવેલા નવનાથ મંદિરોની ભવ્યતાનો નાશ થવા લાગ્યો હતો.
જોકે, કાવડ યાત્રા સમિતિના પ્રમુખ નીરજ જૈન સહિતના જાગૃત નાગરિકોએ ૯૦ કિ.મી.નો ઘાટ ધરાવતી વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા કામનાથ મહાદેવ મંદિરના ઓવારાની સફાઈ કરતાં બે પ્રાચીન ગુફા મળી આવી છે. જ્યાં વિશ્વામિત્ર ઋષિએ તપ કર્યું હતું ત્યાં જએક વાવ મળી છે. આ વાવમાં સેવાસદન દ્વારા લાઈન અપાઈ છે. દૂષિત પાણીને લીધે ગટરગંગા બનેલી વિશ્વામિત્રી નદીના આ કાંઠેથી પી શકાય તેવા મીઠા પાણીનું ઝરણું પણ મળી આવ્યું છે. આ ઘાટની સફાઈ દરમિયાન ૧૯૦ ડમ્પર જેટલો કચરો કઢાયો હતો અને હજુ ૯૦ ડમ્પર જેટલો કચરો કઢાશે.
કામનાથ મહાદેવ મંદિરના ઘાટનો વર્ષો પછી જીર્ણોધ્ધાર
કામનાથ મહાદેવનું મંદિર કમાટીબાગની પાછળ આવેલું છે. એની બાંધણી ગર્ભાગાર અષ્ટકોણમાં છે. ગર્ભાગારથી શિવલિંગ આશરે ૬થી ૭ ફૂટ નીચે છે. આ શિવલિંગ સ્વયંભુ છે. કહેવાય છે કે પહેલા આ ભાગ તદ્દન વેરાન હતો અને આ જગ્યાનો ઉપયોગ ગાય - ભેંસ ચરાવવામાં થતો હતો. ગાયોના ઝૂંડમાંથી એક સફેદ ગાય દરરોજ દૂર જઈને ઉભી રહેતી અને ત્યાં તેના આંચળમાંથી દૂધની ધારા છૂટતી હતી. એક દિવસ ભરવાડનું ધ્યાન જતા તેણે ત્યાં ખોદકામ શરૂ કર્યું. તેમાં એક શિવલિંગ જોવા મળ્યું. તેની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી, જે આજનું કામનાથ મહાદેવ મંદિર છે.
સાધુ સંતોની સમાધિ - શિવલિંગ મળ્યા
કાવડ યાત્રા સમિતિના પ્રમુખ નીરજ જૈને જણાવ્યું કે આ ઘાટમાં અટલ અખાડાના સાધુ - સંતોની ૮ સમાધિ, કેટલાંક પગલાં, એક શિવલિંગ, જલાધારી સાથેની ગુફા,તેમજ ઓવારાની સાથે અડીને આવેલા ૪૨ પગથિયામાંથી ૩૯ પગથિયાં બહાર કઢાયા છે. વાવના ત્રણ પગથિયા કાઢવાના બાકી છે. માતાજીના પગલાંવાળું પાર્વતી માતાનું પૌરાણિક મંદિર જેમના એક હાથમાં ગણેશજી અને બીજા હાથમાં શિવલિંગ છે. આવું મંદિર વિશ્વમાં બીજે ક્યાંય નહીં હોય તેવું મનાય છે. મંદિરમાં હનુમાનજી માનવ સ્વરૂપમાં બીરાજે છે. લોકો દ્વારા, લોકો વડે અને લોકો માટે અહીં જીર્ણોદ્ધાર કરાશે. ગાયત્રી પરિવાર અને ગડ્ડી સમાજના લોકો પણ આ કાર્યમાં જોડાયા છે.
નવનાથ મંદિરો દ્વારા વડોદરાની રખેવાળી
વડોદરા શહેરની આસપાસ ગાયકવાડી શાસનકાળથી નવનાથ મંદિરો આવેલા છે. કહેવાય છે કે વડોદરાની ફરતે આવેલા આ નવનાથ મંદિરો વડોદરાની રખેવાળી કરે છે. મંદિરોની બાંધણી જોતા મંદિરો ૪૫૦થી ૫૦૦ વર્ષ પૂરાણા હોય તેવું લાગે છે. તે સમયે વડોદરા ખૂબ સીમિત હતું અને તેની આસપાસનો વિસ્તાર ઉજ્જડ હતો જેના કારણે તે અનેક સિધ્ધ મહાત્માઓની તપોભૂમિ બની હતી. પૂણ્યબળતી રચાયેલી પૂણ્યભૂમિ હોવાની સાથોસાથ આ ભૂમિ પર તથા તેની આસપાસના સો કિલોમીટર વિસ્તારમાં વિશ્વામિત્ર ઋષિ જેવા અનેક સમર્થ ઋષિ અને તપસ્વી તથા મહારાજા સયાજીરાવ ગાયકવાડ જેવા દીર્ઘ દ્રષ્ટાના કારણે વટપત્રનગર – વડોદરા નગરની આગવી ઓળખ સંસ્કારી નગરી તરીકે સ્થાપિત થયેલી છે. તેના મૂળમાં કોઈ હોય તો તે બ્રહ્મર્ષિ વિશ્વામિત્રનું નવનાથ મહાદેવના સ્થાપિત કર્મનું પૂર્ણબળ છે. તેના કારણે આજે વડોદરા શહેરમાં ૧૦૪૨ જેટલાં મોટા અને ૫૬૨ જેટલાં નાના શિવાલયો ઉભાં છે. ભારતમાં કાશીને શિવનગરી કહેવાતી હોય તો વડોદરાને પણ શિવનગરી કહીએ તો તે અતિશયોક્તિ કહેવાશે નહીં. વડોદરાની આ ધરતીએ પૂરાણકાળથી પોતાનો ઈતિહાસ સંગ્રહીને આજે પણ નવનાથ મહાદેવના સ્વરૂપે ઉભો રાખેલો છે, જે સાંસ્કૃતિક વીરાસતની શાખ પૂરે છે.
ઘાટ પર હોમાત્મક યજ્ઞ શરૂ થયા
ગાયત્રી પરિવાર દ્વારા આધ્યાત્મિકતાની સુવાસ ફેલાવવા માટે કામનાથ મહાદેવના ઘાટ પર ૭ ફેબ્રુઆરીથી ૧૦૮ કૂંડી ગાયત્રી મંત્રના હોમાત્મક યજ્ઞની શરૂઆત કરાઈ છે. આ સાથે દર પૂનમે મહાઆરતીનું પણ આયોજન થઈ રહ્યું છે. આઠ ઘાટના ૬૪૨ પગથિયા પૈકી ૬૦૦ પગથિયાને સ્વચ્છ – સુઘડ કરીને બહાર લાવવામાં સહિયારી સફળતા સાંપડી છે.
બનારસના ઘાટની પ્રતિકૃતિ
કામનાથ મહાદેવ મંદિરનો ઘાટ બનારસના ઘાટની પ્રતિકૃતિ છે. આ સાથે ગંગા નદીની માફક વિશ્વામિત્રી નદી પણ આ ઘાટ પર પૂર્વ દિશા તરફથી વહે છે. આ મંદિરની ઉપર આવેલા ઘુમટમાં ૧૦ વ્યક્તિ બેસી શકે અને પાંચ વ્યક્તિ સૂઈ શકે તેટલી જગ્યા પણ છે. ઓવારાના આઠ ઘાટના પગથિયા પર રાજસ્થાનથી લવાયેલા પથ્થરો લગાવવામાં આવશે.
નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ તરફથી અપીલ
છેલ્લા બે મહિનાથી કામનાથ મહાદેવ મંદિરના ઘાટ અને ઓવારાઓ પર સફાઇ અને જીર્ણોદ્ધારનું કામ ચાલી રહ્યું છે. આ કામ દરમિયાન અનેક વસ્તુઓ મળી છે અને પુરાતત્વ ઐતિહાસિક ખજાનો મળ્યો છે.થોડાં દિવસ અગાઉ એક વાવ ગુફા અથવા વોટર હાર્વેસ્ટિંગ કે કોઈક ગુપ્ત રસ્તો નીકળ્યા પછી એમાં ખોદકામ કરીને કચરો કાઢતા નવ પગથિયા નીકળ્યા. આ પગથીયા બાદ ૧૫ ફૂટ નીચે કોઈક પાઇપની પાઈપ લાઈન નીકળી છે. તેમાંથી ધીમુ ધીમું પાણી આવ્યા કરે છે એના પછી નીચે કુલ ૩૫ ફૂટ નીચે જતા એવું ધ્યાનમાં આવ્યું કે માટી નીકળતી જાય છે વચ્ચે રસ્તો મોટો થતો જાય છે. ગોળાકાર સ્વરૂપમાં જ છે એટલે શું હોઈ શકે એના માટે માર્ગદર્શન મેળવવું છે અને એ તેનું કામ કરીએ એટલા માટે કાવડયાત્રા સમિતિના પ્રમુખ નિરજ જૈન તરફથી શહેરની જનતાને આહ્વાન કરાયું છે કે વડોદરા શહેરના આર્કિટેક્ટ, ઇતિહાસકાર અથવા પુરાતત્વવિદ તમામને કામનાથના આ ઘાટ ઉપર તાત્કાલિક આવે તેવી વિનંતી છે. જેથી આગામી દિવસોમાં આ જે કાંઈ છે એમાંથી કચરો કાઢી અંદર કેવી રીતે આગળ વધવું એ તેમને પણ ખબર પડે એટલે તેમને માર્ગદર્શન મેળવવું હોવાથી તેમને આ અપીલ કરી છે.