વડોદરાઃ પાટીદાર અનામત આંદોલનના યુવા નેતા હાર્દિક પટેલ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યો છે. કેજરીવાલના માર્ગે જઇને તેઓ પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યો હોવાનો આક્રોશ વ્યક્ત કરીને વડોદરામાં સ્થાયી થયેલા ચરોતરના પાટીદાર યુવાનોએ હાર્દિક પટેલનુ પૂતળું બાળીને વિરોધ નોંધાવ્યો હતો. આથી ચાર શખસની પોલીસે અટકાયત કરી હતી.
રાજ્યભરમાં ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલની કાર્યપધ્ધિતીથી નારાજ ચાર યુવાનોએ શહેરના સયાજીગંજ વિસ્તારમાં ડેરીડેન સર્કલ ખાતે સરદાર પટેલની પ્રતિમાની સામે જ હાર્દિક પટેલનું પૂતળાદહન કર્યું હતું. અટકાયત કરાયેલા ચરોતરના પાટીદાર યુવાન જલ્પેશ પટેલે જણાવ્યુ હતું કે, ‘હાર્દિક પટેલ પાટીદારોને ગેરમાર્ગે દોરે છે. કેજરીવાલના માર્ગે જઇને પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યો છે. જેથી અમે હાર્દિક પટેલનું પૂતળું બાળીને અમારો વિરોધ દર્શાવ્યો છે.’
આણંદની પાંચ પાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયાઃ આણંદ જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થતાં નવા હોદ્દોદારો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. વલ્લભ વિદ્યાનગર, કરમસદ, બોરીયાવી, ઓડ અને આંકલાવ નગરપાલિકામાં પ્રમુખ-ઉપપ્રમુખનો કાર્યકાળ ૨૫ ઓગસ્ટે પૂર્ણ થતો હોવાથી આ અંગે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વિદ્યાનગરમાં પ્રમુખપદે મહેન્દ્રભાઈ જે. પટેલ, ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ, કરમસદમાં નિલેશભાઈ પટેલ, ઉપપ્રમુખપદે કલ્પેશભાઈ સોલંકી, ઓડમાં પ્રમુખપદે કાંતાબહેન રાઓલજી અને શૈલેષભાઈ પટેલ, બોરીઆવીમાં પ્રમુખપદે રેવાબહેન રાઠોડ અને ઉપપ્રમુખપદે નિલેશભાઈ પટેલ અને આંકલાવમાં પ્રમુખપદે સુરેશભાઈ ચાવડા અને ઉપપ્રમુખપદે ભગવાનભાઈ ઠાકોરની બિનહરીફ વરણી થઇ હતી.