વડોદરા: અમદાવાદમાં જન્મેલી અને દમણમાં ઉછરેલી શમાબિંદુ 11 જૂન એટલે કે શનિવારે સપ્તપદીના ફેરા ફરશે. કોઇ ઊંમરલાયક યુવતી મનના માણીગર સાથે લગ્નબંધને બંધાય તેમાં કોઇને કંઇ વાંધાજનક હોઇ શકે નહીં, પણ શમાબિંદુના લગ્નની જાહેરાતે આશ્ચર્ય સર્જવાની સાથે સાથે વિરોધનો વંટોળ પણ સર્જયો છે. વાત એમ છે કે શમાબિંદુ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા શંકર ભગવાનના મંદિરમાં સોલોગેમી એટલે કે પોતાની સાથે જ લગ્ન કરવાની છે. મતલબ કે કન્યા પણ પોતે, અને વર પણ પોતે જ.
સોલોગેમીનો આ ભારતનો પહેલો બનાવ વડોદરામાં બનવામાં જઈ રહ્યો છે. એમ.એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાંથી સોશ્યોલોજીમાં ગ્રેજ્યુએશન કરનાર શમાબિંદુએ જણાવ્યું હતું કે, મારા પિતા સાઉથ આફ્રિકામાં રહે છે જ્યારે મારા માતા અને બહેન અમદાવાદ રહે છે. મારા લગ્નની વિધિઓ 9થી 11 જૂન દરમિયાન થશે. જેમાં નવમી તારીખે મહેંદીની રસમ થશે અને 11 તારીખે લગ્ન થશે. લગ્નમાં 10થી 15 મિત્રો આવશે. મારા પરિવારના સભ્યો ઓનલાઈન લગ્નમાં જોડાશે. હું લગ્નમાં ચણીયાચોલી અને ઝભ્ભો-લેંઘો પણ પહેરીશ.
બાળપણનું સપનું સાકાર થશે
શમાબિંદુ કહે છે કે હું નાનપણથી જ કાચમાં જોઈને પોતાની સાથે વાતો કરતી હતી. અને નાનપણની વાતોને સાર્થક કરવા માટે મેં સોલોગેમી રીતે લગ્નનો કરવાનો વિચાર કર્યો. અનેક મિત્રોએ મને સમજાવી પણ મેં મારા વિચાર સાથે રહેવાનું નક્કી કર્યું હતું. લગ્ન કરાવવા માટે મેં 20થી વધુ બ્રાહ્મણોને ફોન કર્યા હતા પણ તેમાંથી ફક્ત એક બ્રાહ્મણે મને લગ્ન કરાવી આપવા માટે હા પાડી છે.
કન્યાદાન કામવાળા બાઈના હસ્તે
હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન થાય ત્યારે તેમાં કન્યાદાનનું મહત્વ હોય છે ત્યારે શમાબિંદુનું કન્યાદાન તેમના ઘરમાં કામ કરતી કામવાળી બાઈ કરશે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી શમાબિંદુ પોતાની સાથેના લગ્ન બાદ માંગમાં સિંદુર ભરીને હનીમૂન માટે ગોવા પણ જશે. શમાબિંદુને દુલ્હન બનવું છે પણ પત્ની નહીં. જેના કારણે તેણે આ પ્રકારના લગ્ન કરવાનું નક્કી કર્યું છે. લગ્નમાં પતિ નહીં હોય, પણ અમુક રસમોમાં અરીસાનો ઉપયોગ કરવામાં આવશે.
ભારતનો સોલોગેમી લગ્નનો પહેલો બનાવ વડોદરા શહેરમાં થશે. ત્યારે સોલોગેમી લગ્ન કરનાર શમાબિંદુને લગ્ન બાદ જ્યારે બાળકની ઈચ્છા થશે ત્યારે તે અનાથ આશ્રમ ખોલશે.