વડોદરાઃ બ્રોન્ઝથી સજાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનો રંગ ૧૦૦ વર્ષ બાદ અમેરિકાના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી જેવો (ગ્રિન પેટિના) થઇ જશે. ૩૦ વર્ષ બાદ તબક્કાવાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રંગમાં ફેરફાર થશે. કેવડિયા કોલોની સ્થિત સરદાર સરોવર ડેમથી ત્રણ કિલોમીટરના અંતરે નર્મદા નદીના કિનારે સાધુ ટેકરી ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૫૯૭ ફૂટ (૧૮૨ મીટર) ઊછી પ્રતિમાનું નિર્માણ થયું છે. હાલમાં વિશ્વની સૌથી ઊંચી આ પ્રતિમાનો પાયાનો ભાગ (બેઝ) ૭૯૦ ફૂટ ઊંડો છે.
રસપ્રદ વાત છે કે જેમ જેમ વર્ષો વીતતા જશે તેમ તેમ આ પ્રતિમાનો રંગ પણ બદલાતો જશે. સૌપ્રથમ ૩૦ વર્ષ બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો રંગ બદલાશે. ત્યારબાદ ૩૦થી ૫૦ વર્ષના સમયગાળા દરમિયાન ફરી સરદાર પટેલની પ્રતિમાના રંગમાં ફેરફાર થશે.
જોકે, ૧૦૦ વર્ષ બાદ સરદાર વલ્લભભાઈ પટેલની ૫૯૭ ફૂટ ઊંચી પ્રતિમાનો રંગ અમેરિકાના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી જેવો થઈ જશે. એક સદી બાદ નેચરલ એજિંગ પ્રોસેસને કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો રંગ બદલાઈને ગ્રીન પેટિના થઈ જશે.
કઈ રીતે ડિઝાઈન બની?
સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યૂ બનાવવા માટે ઇજનેરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ઇજનેરો દ્વારા પહેલા ભારતભરમાં આવેલા સરદાર વલ્લભભાઈના તમામ સ્ટેચ્યૂની મુલાકાત લઈ તેના ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેનો અભ્યાસ કરાયો હતો. આ પછી ઇતિહાસકારો સાથે વિગતવાર ચર્ચા કરીને તેમના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. સ્થાપત્ય અને ઇજનેરી કળા બંને દૃષ્ટિએ સાનુકૂળ હોય તેવો પોઝ તૈયાર કરીને વર્તમાન ડિઝાઈન તૈયાર કરાઇ છે.
પ્રતિમામાં ૮૫ ટકા તાંબુ
સરદારની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાને ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ નામ અપાયું છે. તે દુનિયાની સૌથી મોટી પ્રતિમા છે. તે અમેરિકાની સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી (૯૩ મીટર)થી બમણી ઊંચી છે. અત્યાર સુધી ચીનમાં આવેલું ૧૫૩ મીટર ઊંચું ભગવાન બુદ્ધનું સ્પ્રિંગ ટેમ્પલ દુનિયામાં સૌથી ઊંચું હતું. લોહપુરુષની આ પ્રતિમાને કાટ ન લાગે તે માટે ૮૫ ટકા તાંબાનો ઉપયોગ થયો છે. આ મૂર્તિ નર્મદા જિલ્લામાં કેવડિયાના સાધુ આઈલેન્ડ પર બનાવાઈ છે. મુખ્ય માર્ગથી સ્ટેચ્યૂ સુધી ૩૨૦ મીટર લાંબો બ્રિજ પણ બનાવાયો છે.
૭૦૦૦ માઇક્રોપ્લેટનો ઉપયોગ
કેવડિયા ખાતે વિવિધ ધાતુમાંથી બનાવાયેલા સ્ટેચ્યૂમાં ફેબ્રિકેશન સ્ટ્રકચર પર આટલી મોટી પ્લેટ લઇ જવી અને તેને ફીટ કરવી એ ઇજનેરો માટે એક નવો જ અનુભવ હતો. ફેબ્રિકેશન સ્ટ્રક્ચર પર લગાવવામાં આવેલી પ્લેટને પહેલાં ત્રણ બાય ત્રણ મીટરની ૭૦૦૦ માઇક્રો પ્લેટમાં વિભાજિત કરવામાં આવી હતી. કોડિંગ અને નંબરિંગ કરી તેને સ્થળ પર લઈ જવામાં આવી હતી. આ પ્લેટને ક્રેઇન દ્વારા ફેબ્રિકેશન સ્ટ્રક્ચર પર ચઢાવીને વેલ્ડિંગની કામગીરી કરવામાં આવી હતી.
ગેલેરીમાંથી ચારે બાજુનો નજારો
સરદારના સ્ટેચ્યૂની છાતીના બાગે બે તરફ બનાવવામાં આવેલી વ્યૂઈંગ ગેલેરી ત્યાં જ કેમ બનાવવામાં આવી તે વિશે ચીફ એન્જિનિયર પી.સી. વ્યાસે જણાવ્યું હતું કે, પ્રતિમાનું મુખ કઈ દિશામાં હશે અને ગેલેરી ક્યાં બનાવવી તે વિશે સ્થાપત્ય કલા, શેડો એનાલિસીસ તેમજ સ્થળ સ્થિતિને ધ્યાને લઈ પ્રતિમાનું ઓરિએન્ટલ નિયત કરાયું હતું. તેમજ પગથી માથા સુધીમાં માત્ર છાતીનો ભાગ જ એવો છે. જ્યાં સૌથી વધારે મુલાકાતીઓ એક સાતેૂભા રહી શકે છે. જેથી ગેલેરી છાતીના ભાગે જ બનાવવામાં આવી છે. જેમાં એક સાથે ૨૦૦ જેટલા મુસાફરો કુદરતી નજારો નિહાળી શકશે.
ગેલેરીમાંથી વિંધ્યાચલ અને સાતપુડાની ગીરીમાળા, ડેમ તેમજ નર્મદા નદીનો અલભ્ય નજારો માણી શકાય છે. પ્રતિમાની મધ્યમાં બે આરસીસી પિલર બનાવાયા છે. જેમાં મુસાફરો ગેલેરી સુધી લઈ જવા તેમજ પરત નીચે આવવા માટે બે લિફ્ટ બનાવવામાં આવી છે. જે લિફ્ટની કેપેસિટી એકસાથે ૨૫ વ્યક્તિના વહનની છે. જેની ઝડપ એક સેકન્ડના ચાર મીટરની છે.
ઉડતી નજરે વિશેષતા
ઊંચાઇઃ જો કોઈ વ્યક્તિની ઊંચાઈ ૬ ફૂટ હોય તો આ વિશાળ પ્રતિમા તેનાથી ૧૦૦ ગણી ઊંચી છે. • સરદારની પ્રતિમાના હોઠ, આંખ અને જેકેટનાં બટન ૬ ફૂટના માણસના કદથી મોટા છે. • નર્મદા નદીના મધ્યમાં બનેલી આ મૂર્તિ ૧૮૦ કિ.મી.ની તીવ્ર ઝડપના પવનનો સામનો કરી શકે છે. • રિક્ટર સ્કેલ પર ૬.૫ તીવ્રતાના ભૂકંપનો પણ તે સામનો કરી શકે છે. • પ્રતિમાનો બેઝ નર્મદા નદીમાં ૧૦૦ વર્ષમાં આવેલા સૌથી મોટા પૂરના સ્તરથી પણ ઉપર છે. • પ્રતિમાને ૭ કિ.મી. દૂરથી જોઈ શકાય છે. તેમાં ૪ ધાતુઓનો ઉપયોગ થયો છે. • આ પ્રતિમા સિંધુ ઘાટી સભ્યતાની સમકાલીન કલાથી બનાવાઈ છે.
ટેક્નોલોજીઃ સરદારની પ્રતિમાના બન્ને પગના પંજા વચ્ચે ૬.૪ મીટરનો ગેપ રખાયો છે, જેથી તીવ્ર પવનનો સામનો કરી શકે. • તેને બનાવવામાં કોર વોલ ટેકનિકનો ઉપયોગ કરાયો છે. તેનો ઉપયોગ ઊંચી ઇમારતો બનાવવામાં થાય છે. • આ કોર વોલ એક ઇંડાકાર સિલિન્ડર જેવી છે. તેમાં અનેક જગ્યા પર સ્ટીલ પ્લેટ્સ લગાવાઈ છે. • સરદારના દરેક પગમાં ૨૫૦ ટનના માસ ડેમ્પર્સનો ઉપયોગ કરાયો છે.
બનાવટઃ પ્રતિમાના નિર્માણમાં ૨૯૯૭ કરોડનો ખર્ચ થયો છે. ૨.૧૨ લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટ, ૧૮ હજાર ટન સ્ટીલ લગાવાયું. • ૩૫૫૦ ટન બ્રોન્ઝ શીટ્સ, ૧૮,૫૦૦ ટન રોડ્સનો પણ ઉપયોગ થયો છે. • ૬૦૦૦ હજાર ટન સ્ટ્રકચર્ડ સ્ટીલ વપરાયું છે. ફ્રાન્સના એફિલ ટાવરમાં ૭૩૦૦ ટન સ્ટ્રકચર્ડ સ્ટીલ છે.
• પ્રતિમા બનાવવામાં ૨૫૦ એન્જિનિયરો, ૩૦૦૦ મજૂરોએ ૩ વર્ષ ૯ મહિના કામ
કર્યું. એલએન્ડટી કંપનીએ તે બનાવી છે.
પ્રતિમાઃ દુનિયામાં ૧૩૯ પ્રતિમાઓ એવી છે જે ૩૦ મીટરથી ઊંચી છે. તેમાંથી ૪૨ ટકા ભારત અને ચીનમાં બનાવાઈ છે. • ૩૦ મીટરથી વધુ ઊંચી પ્રતિમાઓ ચીનમાં સૌથી વધુ ૩૪ છે, જ્યારે ભારતમાં અંદાજે ૩૫ પ્રતિમાઓ છે.
• દુનિયામાં સૌથી વધુ પ્રતિમા ભગવાન બુદ્ધ અને બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરની છે.
• રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમાઓ દુનિયામાં ૭૧થી વધુ દેશોમાં છે.
ડિઝાઇનઃ પ્રતિમાની ડિઝાઇન મૂર્તિકાર રામ સુથારે નોઇડા સ્થિત વર્કશોપમાં બનાવી. સરદાર પટેલના ૩ ક્લે મોડલ ૩૦ ફૂટ સુધીની ઊંચાઈના બનાવાયાં.
• પછી તેને ૩ડી ઇમેજિંગ મારફત મોટા કરાયાં, સુથાર ૯૩ વર્ષના છે, તે મહાત્મા ગાંધીની મૂર્તિઓ બનાવવા માટે ઓળખાય છે.