અમદાવાદ: વલસાડમાં આઈઆઈએફએલની ઓફિસમાં થયેલી રૂ. ૭ કરોડની લૂંટ તથા ખૂન, ખંડણી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલી રાજન ગેંગના બે સાગરિતોને એટીએસની ટીમે પકડી પાડ્યા હોવાના અહેવાલ ૨૯મી મેએ હતા.
એટીએસ દ્વારા જણાવાયું છે કે, જાન્યુઆરી ૨૦૨૦માં ચણોદ વાપી સેલવાસ રોડ પર આવેલી ઈન્ડિયા ઈન્ફોલાઇન
ફાઇનાન્સ લિમિડેટ (આઈઆઈએફએલ)ની ઓફિસમાં બંદૂક અને નાળિયેર કાપવાના છરા સાથે ઘૂસી જઈને સોનાના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ અંદાજિત રૂ. ૭ કરોડની લૂંટ થઈ હતી.
આ કેસમાં એટીએસની ટીમે શરમત બેગ ઉર્ફે ખલિલ બેગ (રહે. નિર્મલ એપાર્ટમેન્ટ, નાલાસોપારા ઈસ્ટ મુંબઈ)ને મુંબઈથી તેમજ સંતોષ નાયક ઉર્ફે રાજેશ ખન્ના કુમાર નાયક (રહે. ચીકમંગલૂર, કર્ણાટક)ને કર્ણાટકથી ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રૂ. ૭૦ લાખ રોકડા કબજે કરાયા
એટીએસ દ્વારા જણાવાયું કે, આરોપી સંતોષ નાયક પાસેથી રોકડા રૂ. ૭૦ લાખ રોકડા કબજે કરવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ છોટા રાજન ગેંગના સક્રિય સભ્ય હોવાનું તેમની પૂછપરછમાં જણાઈ આવ્યું છે. તેમણે એવું પણ કબૂલ્યું હતું કે, તેમણે છોટા રાજનના કહેવાથી ડોન દાઉદ ઈબ્રાહિમના ખાસ ગણાતા એવા કૈયુમ કુરેશી અને ઈકબાલ ફૂંટારાની મુંબઈમાં હત્યા કરી હતી.