વડોદરાઃ પુષ્ટિમાર્ગના સ્થાપક જગદ્ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજી પર હિન્દી-અંગ્રેજી ભાષામાં ‘વલ્લભાચાર્ય’ ફિચર ફિલ્મ બની રહી છે. જેમાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ વલ્લભાચાર્યજીની ભૂમિકા ભજવશે, ૨૪ જૂને આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. વલ્લભાચાર્યજીના પાત્રને તાદૃશ્ય કરવા દ્વારકેશલાલજી ખુદ અભિનય કરશે.
શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટ્યને ૫૪૮ વર્ષ પૂર્ણ થયાં તે નિમિત્તે મુંબઈવાસી રાધિકા ફિલ્મ્સના અજય શાહે પુષ્ટિ માર્ગના મર્મ અને વલ્લભીય સિદ્ધાંતોને સરળતાથી સમજાવવા આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. વલ્લભાચાર્ય ફિલ્મમાં વલ્લભની ભૂમિકા ષષ્ઠપીઠ ગાદીપતિ પૂ.પા.ગો.૧૦૮ દ્વારકેશલાલજી મહારાજ નિભાવશે.
‘આ ફિલ્મમાં જૂની મહાભારત સિલિયલના મોટાભાગના કલાકારો અભિનય કરશે. શહેરના માંડવી ખાતેની શ્રી કલ્યાણરાયજી મંદિરના ગાદીપતિ દ્વારકેશલાલજી મહારાજે જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં હું એક અભિનેતા તરીકે નહીં પરંતુ, બાળપણથી શ્રીવલ્લભાચાર્યના જીવન ચરિત્ર વિશે વાંચેલું અને મળેલી માહિતી લોકો સુધી સરળતાથી પહોંચે તે માટે વલ્લભાચાર્યનો અભિનય કરવાનો છું. આ ફિલ્મમાં જૂની મહાભારત સિરિયલના લોકપ્રિય અભિનેતા મુકેશ ખન્ના, પંકજ ધીર સહિત ૧૩૮ પાત્રો છે. મહિલા પાત્રોમાં રાધા અને સખીઓની પસંદગી માટેનું ઓડિશન ટૂંક સમયમાં શરૂ થશે. આઉટડોર શૂટિંગ પાવાગઢ અને તેની આસપાસ કરાશે. જાન્યુઆરી-૨૦૧૬ના પ્રથમ સપ્તાહમાં ભારત સહિત વિદેશમાં એકસાથે આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. આ ફિલ્મમાં સંગીત રાજકોટના સંગીતકાર મનોજ વિમલ આપશે. અજય શાહ પંચમહાલ જિલ્લાના હાલોલના વતની છે. ફિલ્મનું ચિત્રાંકન માત્ર ૪૫ દિવસમાં પરિપૂર્ણ કરવા માટેની પૂર્વ તૈયારીઓ થઈ ગઇ છે. પછી ફિલ્મનું ડબિંગ અંગ્રેજીમાં પ્રોફેશનલ દ્વારા કરાશે. ફિલ્મમાં રાધા, મહાપ્રભુજીના પત્ની સહિત ત્રણ પાત્રો છે. ઉપરાંત રાજા-મહારાજાઓ, મુસ્લિમ રાજાઓ, નવ વર્ષની નરોબાઈનું પાત્ર પણ છે.