વડોદરાઃ વડોદરાના નવલખી મેદાનમાં નગર પાલિકાના રૂ. ૧૧૪૦ કરોડના વિકાસના કામો સહિત કુલ રૂ. ૩૬૦૦ કરોડના વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિકાસને વરેલી રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર પૂરેપુરું પીઠબળ આપશે. સીમિત દૃષ્ટિકોણ અને સંકુચિત વિચારધારા ધરાવતા ક્યારેય વિકાસ શક્ય ન બનાવી શકે. વિકાસના કામો નિયમિત અને સમયમર્યાદામાં પૂરા કરવાનો સંકલ્પ હોય છે. એટલે જ શ્રેષ્ઠત્તમ વિકાસના પરિણામો આપી શક્યા છીએ.
તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીમાં ગુજરાતને અનુકૂળ અને ગુજરાતમાં દિલ્હીને અનુકૂળ નેતાગીરી હોય ત્યારે જ ગુજરાતનો વિકાસ ખીલ્યો છે અને હાલમાં દિલ્હીમાં ગુજરાતના વિકાસ માટે અણગમો ન હોય તેવી સરકાર છે. આ સંજોગોમાં, ગુજરાત વિકાસની અભૂતપૂર્વ તકો ઝડપી લે તેવો અનુરોધ કરીને તેમણે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને તેમની ટીમને વખાણી હતી.
મોદીએ કહ્યું કે, સામાન્ય માનવીઓની મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાની સંવેદનશીલતા હોય ત્યારે જ વિકાસ શક્ય બને છે. અમે દેશના લોકોમાં વિકાસનું માઇન્ડ સેટ સર્જીને વિકાસનું આયોજન કરીએ છીએ. તેમણે નામ લીધા વગર ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીના પરિણામનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું હતું, પણ પછીથી રિકાઉન્ટીંગની માગ થઈ હતી અને રિકાઉન્ટીંગમાં માંડ માંડ જીતેલા હવે ઇલેકશન કમિશન પર પસ્તાળ પાડી રહ્યા છે અને મોદી દિવાળી પછી ગુજરાત કેમ જાય છે? તેવો સવાલ કરે છે તો શું મોદીનો ગુજરાત, વડોદરા કે શાસ્તરીપોળ પર અધિકાર નથી તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.