આણંદઃ શહેરના મંગળપુરા વિસ્તારમાં આવેલા અતિથિ એપોર્ટમેન્ટના મકાન નં - ૧૦૨માં રહેતા કનુ રબારી ખોડલ કન્સલ્ટન્સીના નામે ધંધો શરૂ કરી વિદેશ જવા ઈચ્છુક ગ્રાહકોને બનાવટી માર્કશીટ તથા દસ્તાવેજો બનાવી વિદેશના વિઝા મેળવી આપતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે એસઓજીએ તાજેતરમાં ખોડલ કન્સલ્ટન્સી ખાતે ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને સ્થળે તપાસ હાથ ધરતાં ટેબલ પર પડેલ ફાઈલો લીલા કલરના કવરો મળી આવતા કનુ રબારી તથા વડોદરાના આદિત્ય પટેલ, હિરન ઉર્ફે સોનુ સાઠમની વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. કનુ રબારી ઘટના સ્થળે મળી આવતાં તેની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, અલગ અલગ સરકારી શૈક્ષણિક સંસ્થાઓ તથા યુનિવર્સિટીના બનાવટી સર્ટિફિકેટ જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગરની માર્કશીટો તેમજ ગુજરાત રાજ્યની અલગ-અલગ યુનિ.ની માર્કશીટો બનાવવામાં આવતી હતી. વડોદરાના રહેવાસી આદિત્ય ચંદ્રવદન પટેલના સંપર્કથી વડોદરા સ્થિત હિરેન ઉર્ફે સોનુ ચંદ્રકાન્ત સાઠમ મારફતે વિઝા ઈચ્છુક ધરાવતા ગ્રાહકોની જરૂરિયાત મુજબ બનાવટી સરકારી દસ્તાવેજો બનાવીને તેનો ગેરકાયદે ઉપયોગ થતો હતો. પોલીસે આ કેસમાં કુલ રૂ. ૨૩ લાખ ૫૬ હજાર ૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.