વડોદરાઃ વર્ષ ૨૦૦૮માં વડોદરામાં દરોડો પાડીને કેનેડિયન ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા શી ઝીંગ ફેંગ ઉર્ફે રિચાર્ડ અને બે મલેશિયન ડ્રગ્સ પેડલરોને મેથામફેટામાઇન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. જેઓની પૂછપરછમાં સપાટી ઉપર આવેલી વિગત પ્રમાણે સાવલી તાલુકાના ભાદરવા નજીક આવેલી સખા ઓર્ગેનિક નામની ફેક્ટરીમાં રેડ કરીને કરોડો રૂપિયાની કિંમતનો ૧૧૦ કિલો મેથામફેટામાઇનનો જથ્થો ઝડપી પાડયો હતો. આ કેસની સંપૂર્ણ તપાસ એનસીબીએ કરી હતી. વડોદરાથી વાયા નેપાળ થઈને હોંગકોંગ નાસી છૂટેલા આ ઇન્ટરનેશનલ ડ્રગ્સ પેડલર ક્ષી ઝીંક ફેંગને પ્રત્યાર્પણ સંધિના આધારે કસ્ટડી વડોદરા પોલીસને સોંપવાનો હોંગકોંગની ન્યાયપાલિકાએ હુકમ કર્યો છે. પ્રત્યાર્પણ સંધિના આધારે વોન્ટેડ આરોપીને વડોદરા લવાય તેવો સમગ્ર ભારતનો આ પહેલો કિસ્સો હશે.