વિદ્યાનગરઃ મોટા બજારમાં આવેલી રત્ના મોટર્સની પાછળના હરિદ્વાર બંગલામાં બનાવટી કોલ સેન્ટર ચાલી રહ્યું હોવાનું અને કેટલાક યુવકો અમેરિકાના નાગરિકોને લોન અપાવવાની લાલચ આપીને છેતરતા હોવાનું તાજેતરમાં બહાર આવ્યું હતું. ૧૧મી સપ્ટેમ્બરે પોલીસે આ કેસની તપાસ આદરી હતી. જેને પગલે પોલીસે રાજીવ દેવીચરણ શિવહરે, પવનપુરી સ્વામીનાથ પુરી, અરવિંદભાઈ પ્રસાદ અને અવિનાશકુમાર અનેશભાઈ ચૌધરીને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ચાર લેપટોપ, છ મોબાઈલ, રાઉટર, ચાર્જર સહિત કુલ રૂ. ૩.૮૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રાજીવ શિવહરે અને મુખ્ય સૂત્રધાર કરણ રાવલે ભેગા મળીને આશરે બે મહિના પહેલાં બંગલો ભાડેથી રાખ્યો હતો અને ત્યાં બનાવટી કોલ સેન્ટર ચાલુ કર્યું હતું. અમદાવાદમાં કોલ સેન્ટરમાં જોબ કરતી વખતે તેઓ એકબીજાને મળ્યા હતા અને કોલ સેન્ટર શરૂ કરી વિદેશી નાગરિકોને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ નક્કી કરેલી સ્ક્રિપ્ટ પ્રમાણે વાતચીત કરીને તેઓ અમેરિકાની રિકાની કેશ એડવાન્સ કંપની પાસેથી લોન લેવા તૈયાર નાગરિકોને છેતરતા હતા. ગિફ્ટ કાર્ડ જેવા કે ગૂગલ પ્લે કાર્ડ, પ્લે કાર્ડ, આઈ ટ્યૂન પ્લે કાર્ડ સ્ક્રેચ કરાવીને તેના કોડ નંબર મંગાવી લઈને ફ્રોડ કરતા હતા. પોલીસે આ ટોળકી અન્ય કોઈ સ્થળે પણ કોલ સેન્ટર ચલાવી રહી છે કે કેમ તેની તપાસ આદરી છે.