ખંભાતઃ વિદ્યાનગર બાદ એસઓજી પોલીસે બાતમીના આધારે ખંભાત શહેરના કંસારી રોડ - મેતપુર રોડ પર આવેલી મહેશ્વરી સોસાયટીમાં મકાન નં. બી. ૪૫માં રહેતાં નિતેષ અરવિંદભાઈ પદમશાળીના ઘરે છાપો માર્યો હતો. અહીંથી બ્રિટનના નાગરિકોને બાકી ટેક્સની બીક બતાવી લૂંટ ચલાવતું નકલી કોલ સેન્ટર ઝડપીને ત્રણ જણાની ધરપકડ કરાઈ હતી. પોલીસે આ મકાનમાંથી નિતેષ, ડેવિડ ઉર્ફે બાબા દેવરાજ પીલ્લે (રહે. ખોખરા સર્કલ, અમદાવાદ - મૂળ રહે. પૂણે શહેર) અને હિતેન ઉર્ફે જાડુ વિઠ્ઠલભાઈ રંગોળિયા (રહે. જોષીપુરા, જૂનાગઢ) ઝડપાઈ ગયા હતા.
પોલીસની પૂછપરછમાં નિતેષ પાસેથી જાણવા મળ્યું હતું કે, તે ઘણા સમયથી બહારથી માણસો બોલાવીને આ કોલ સેન્ટર ચલાવતા હતા. કોલ સેન્ટરમાંથી બ્રિટનના નાગરિકોને વોઈસ મેસેજમાં કહેવામાં આવતું કે, ‘ટેક્સની રકમ બાકી છે. તમે ટેક્સ ભરી દો નહીં તો જેલ થશે. તમારા નામનું વોરંન્ટ ઈશ્યુ થશે.’ એ પછી તેમની પાસેથી વાઉચરના કોડ નંબર મેળવી હિતેષ પુરેન્દ્રભાઈ વ્યાસ (રહે. મણિનગર, અમદાવાદ)ના મોબાઈલમાં મોકલાતા. હિતેષ પોતાની રીતે પૈસા કાઢી લેતો અને નિતેષને તેનો ભાગ આપી દેતો હતો. જ્યારે ડેવિડ લેપટોપ પર ફોન આવતાં હેડફોનની મદદથી યુકેના નાગરિકો સાથે વાતચીત કરતો હતો. તેનું નામ એરિક ફોસ્ટર રખાયું હતું. હિતેષ પણ વોટ્સઅપ બિઝનેસ એકાઉન્ટનું કામ કરતો. તેનું નામ આ ધંધામાં જ્હોન સ્મિથ રાખવામાં આવ્યું હતું. એસઓજી પોલીસે આ તમામની અટકાયત કરી હતી અને તેમને એસઓજી ઓફિસે લવાયા હતા. સરકારી ગાઈડલાઈન પ્રમાણે પકડાયેલા તમામના કોરોના રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું હતું.