વડોદરાઃ આાગામી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ પૂરાં જુસ્સાથી લડીને નરેન્દ્ર મોદી અને ભાજપને હરાવશે, તેમ ગુજરાત દિને, સોમવારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. નર્મદા જિલ્લાના આદિવાસી તાલુકા દેડિયાપાડામાં એક લાખ ઉપરાંત આદિવાસીઓની જંગી સભાને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર મનની વાતને ઠોકી નહીં દે, તે કોઈ એક વ્યક્તિની નહીં, પણ સૌની સબકી હશે. સરકાર આદિવાસીઓ, ગરીબો, મજૂરો અને નાના દુકાનદારો પાસે જઈને તમારાં મનની વાત સાંભળશે.
સફેદ ઝભ્ભા, લેંઘામાં અને કપાળે તિલક કરીને આવેલા રાહુલ ગાંધીએ વડા પ્રધાનને તેમની હોમપીચ ઉપર આકરાં પ્રહાર કરીને કોંગ્રેસ પક્ષ ભાજપ અને નરેન્દ્ર મોદીને પરાજીત કરશે, તેમ જણાવ્યું હતું. રાહુલે કબૂલાત કરી હતી કે, અમારું માર્કેટિંગ નબળું છે – સારું નથી, પણ અમે તમામ નાગરિકોના ઉત્કર્ષ માટે દિલથી કામ કરીશું. ૭૦ -૮૦- ૯૦ વર્ષ પહેલાનું ગુજરાત અને આજના ગુજરાત વચ્ચે ભારે તફાવત છે. આ બદલાવ, પ્રગતિ થઇ છે તે કોઇ એક વ્યક્તિએ કરી નથી. ગુજરાતની કરોડો મહિલાઓ – કિસાનોએ પ્રગતિ કરી છે. આ પ્રગતિમાં કોંગ્રેસ સામેલ હતી. શ્વેત ક્રાંતિમાં અહીંના લોકોનો હાથ છે. તમારાં ખૂન અને પસીનાથી આ પ્રગતિ થઇ છે. ગુજરાતને બદલવાનું કામ કોઇ એક વ્યક્તિનું નથી, તમારી પાસે જે શક્તિ છે તે દેશમાં કોઈની પાસે નથી.
ગુજરાતમાં ૧૦ – ૧૫નું રાજ
ગુજરાત રાજ્યમાં હાલ ૧૦ – ૧૫ જણાં જ રાજ કરે છે અને તમામ લાભ મેળવે છે. પાટીદારો કે જેમણે ભાજપને ખોબલે ખોબલે મત આપ્યાં હતા, તેમણે પણ મને ફરિયાદ કરી હતી કે, તેમનાં સંતાનોને સારું શિક્ષણ મળતું નથી, તેનું કારણ પણ આ ૧૦ – ૧૫ જણાં છે. જેઓ હવે શિક્ષણ ક્ષેત્રે કોલેજો – યુનિવર્સિટીઓ ઉપર કબજો મેળવીને કેપિટેશનના નાણાં મેળવી રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતનો ઉલ્લેખ કરીને પણ તેમણે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાતથી સામાન્ય લોકોને ફાયદો થતો નથી. માત્ર ૧૦ – ૧૫ જણાંને ફાયદો થાય છે. વાઇબ્રન્ટનું માર્કેટિંગ પૂરેપૂરું કરવામાં આવે છે. ગુજરાત શાઇનિંગ થતું નથી.