શિહોરીઃ કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં આવેલા ગાય માતાના મંદિરે આયોજિત રાત્રિ મેળામાં ૨૭મી ઓક્ટોબરે શરદ પૂનમે મહેરામણ ઊમટી પડ્યો હતો. ગુજરાતમાં એક માત્ર શિહોરી ખાતે ગાય માતાનું મંદિર આવેલું છે. શિહોરી રાજપૂત સમાજ અને વેપારીઓ દ્વારા દર વર્ષે આસો સૂદ અગિયારસથી પૂનમ સુધી અહીં રાત્રિ મેળાનું આયોજન કરાય છે. આ વખતે પણ મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. જોકે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હોવાથી ભીડ કાબૂમાં રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આખા વિશ્વમાં આવેલું આ એક માત્ર ગાય માતાનું મંદિર પ્રવાસન ધામ તરીકે વિકસી શકે તેમ છે.
પ્રાંતીજમાં રૂ. ૭.૪૫ કરોડના ખર્ચે રસ્તા બનશેઃ પ્રાતીજના સ્થાનિક ધારાસભ્યની રજૂઆતના લીધે પ્રાંતીજ તાલુકામાં રૂ. ૭. ૪૫ કરોડના રસ્તાના કામોને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળી છે. વરસાદને પગલે પ્રાંતીજ તાલુકાના દસથી પણ વધુ ગામોના રસ્તા બિસ્માર હાલતમાં છે અને તૂટેલા કાચા રસ્તાના કારણે રાહદારીઓ અને વાહનચાલકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે તેથી માર્ગીય અગવડ દૂર કરવા ટૂંક સમયમાં જ આ રસ્તાઓને તબક્કાવાર સિમેન્ટ ક્રોંકિટના બનાવવાની મંજૂરી રાજ્ય સરકારે આપી છે.