અાણંદઃ ખેડા જિલ્લામાં ઢૂંડી ગામના ખેડૂતોએ ગ્રીડ વિદ્યુતને અલવિદા કહીને સૌરઊર્જાના સહારે ખેતી શરૂ કરી છે. ખોબા જેવડા ઢૂંડીના ખેડૂતોએ ૫૦૯૭ યુનિટ મ. ગુજરાત વીજકંપનીને વેચી છે જે પેટે કંપની યુનિટ દીઠ રૂ. ૪.૬૩ ચૂકવશે. ઢૂંડીમાં વિશ્વની પ્રથમ સૌરઊર્જા ઉત્પાદક મંડળી રચાઇ છે. ઢૂંડીમાં ૫૬.૪ કિલો કિલોવોટની ક્ષમતા ધરાવતા ૬ ટયુબવેલ માલિક ખેડૂતોએ સૌરઊર્જા ઉત્પન્ન કરી રહ્યા છે. આ ખેડૂતો વર્ષે અંદાજે ૮૫ હજાર યુનિટ સૌરઊર્જા પેદા કરશે જે પૈકી ૪૦ હજાર યુનિટ સિંચાઇમાં ઉપયોગમાં લેશે જયારે ૪૫ હજાર યુનિટ સૌરઊર્જા મધ્ય ગુજરાત વીજકંપનીને વેચી વાર્ષિક રૂ. ૩.૨ લાખની આવક મેળવશે.
આ ખેડૂતોએ એમજીવીસીએલ સાથે ૨૫ વર્ષના કરાર કર્યા છે. એટલું જ નહીં, ૨૫ વર્ષ સુધી ગ્રીડ વિદ્યૃત મેળવવાનો ખેડૂત તરીકેનો હક જતો કર્યો છે. આજે ઢૂંડી ગામના ખેડૂતો ખેતરમાં ૨-૩ ગુંઠા જમીનમાં સોલર પેનલ નાંખી એક તરફ સૌરઊર્જા પેદા કરી રહ્યાં છે જયારે બીજી તરફ, પેનલના નીચેના ભાગમાં કોથમીર, પાલક, રિંગણ, લસણ અને ગાજર જેવા પાકો ઉગાડે છે. દિવસભર સૌરઊર્જા મળી રહેતાં ખેડૂતોને વીજળી જતી રહેવાનો ડર નથી.
આજે આખાયે દેશમાં ૧.૪ કરોડ સિંચાઇના ટયુબવેલ કાર્યરત છે. કુલ વીજ ઉત્પાદનનો ૧-૪ ભાગ ટયુબવેલ પાછળ ખર્ચાઇ જાય છે. આમ, નાના ખેડૂતોના જીવનનિર્વાહ સુધારવામાં ઢૂંડી સૌરઊર્જા ઉત્પાદક મંડળી મહત્ત્વની ભૂમિકા ભજવશે. સૌરઊર્જા ઉત્પાદક મંડળી એમજીવીએસએલ અને રાજ્ય સરકાર દ્વારા ચૂકવાતી ખેડૂત સબસીડીમાંથી પણ મુક્તિ અપાવશે.