વડોદરાઃ વિશ્વબેંક દ્વારા બહાર પડેલા નવા વર્ષના કેલેન્ડર માટે વિશ્વમાંથી ૧૨ કલાકારોના સર્જનની પસંદગી થઈ છે જેમાં ભારતમાંથી એકમાત્ર જિજ્ઞાસા ઓઝાનું ચિત્ર પસંદ કરાયું છે. મોર્ડન આર્ટ સાથે મિનિએચર આર્ટનું ફ્યુઝન કરતી જિજ્ઞાસા ઓઝાને સન ૨૦૧૨માં વિશ્વબેંકે પોતાની કૃતિ મોકલવા માટે આમંત્રણ આપ્યું હતું. પસંદગી માટે જિજ્ઞાસાએ ત્યારે ત્રણ ચિત્રો મોકલ્યા હતા. વિશ્વભરમાંથી આર્ટિસ્ટોએ મોકલેલા પેઇન્ટિંગ્સ તથા અન્ય આર્ટવર્કનું વર્લ્ડ બેંક દ્વારા એક ટ્રાવેલ શોનું આયોજન કરાયું હતું અને વિશ્વના અલગ અલગ દેશોમાં તેનું પ્રદર્શન યોજાયું હતું. આ તમામ આર્ટવર્કમાં સન ૨૦૧૬ના કેલેન્ડર માટે વર્લ્ડ બેંકે કુલ ૧૨ આર્ટવર્ક પસંદ કર્યાં જેમાંથી જિજ્ઞાસાનું પણ એક પેઇન્ટિંગ છે.
આ અંગે જિજ્ઞાસા કહે છે કે, એક્રેલિક ઓન કેનવાસથી તૈયાર કરાયેલા જે પેઇન્ટિંગની પસંદગી થઇ છે તેનું ટાઇટલ ‘વોર એન્ડ પીસ’ છે અને ઓક્ટોબર ૨૦૧૬ના પેજ પર મારું પેઇન્ટિંગ મુકાયું છે. આ ઉપરાંત વર્લ્ડ બેંક કોફી મગ, ટી-શર્ટ જેવી પ્રોપર્ટી પણ બહાર પાડશે તેની પર પણ મારા ચિત્રનો સમાવેશ થશે.
કેલેન્ડરમાં આફ્રિકા, અફઘાનિસ્તાન, નેપાળ, પાકિસ્તાન, લેટિન અમેરિકા જેવા દેશના આર્ટિસ્ટોના વર્કનો પણ સમાવેશ કરાયો છે. જિજ્ઞાસાને અગાઉ સાઉથ એશિયા પેસિફિક, કોમનવેલ્થ જેવા એવોર્ડ મળી ચૂક્યા છે. તાજેતરમાં જ ભારત સરકારે તેને નેશનલ જુનિયર ફેલોશિપ એવોર્ડ આપ્યો છે. દેશ વિદેશમાં તેના ગ્રુપ અને સોલો પેઇન્ટિંગ એક્ઝિબિશન યોજાઇ ચૂક્યા છે.