આણંદઃ કોવિડ માર્ગદર્શિકાને અનુસરતાં ચારુસેટ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આ વર્ષે બે તબક્કામાં વહેંચાયો હતો. પ્રથમ તબક્કામાં મુખ્ય સમારોહમાં ૯ જાન્યુઆરીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનારા અને પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓને જયારે દ્વિતીય તબક્કામાં ૧૧-૧૨ જાન્યુઆરીએ વિવિધ વિદ્યાશાખાઓનાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પદવીઓ એનાયત કરવાનું આયોજન કરાયું હતું.
ચરોતર યુનિ. ઓફ સાયન્સ - ટેકનોલોજીમાં દસમો પદવીદાન સમારોહ ૯મી જાન્યુઆરીએ યુનિ.ના પ્રાંગણમાં હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વિખ્યાત આઈટી કંપની ઓનવર્ડ્સ ટેક્નોલોજીઝના સ્થાપક, એક્ઝિક્યુટિવ ચેરમેન અને નાસ્કોમના સર્વ પ્રથમ ચૂંટાયેલા ચેરમેન હરિશ મહેતાએ ઓનલાઈન દીક્ષાંત પ્રવચન આપ્યું હતું.
તેઓએ જણાવ્યું કે, વિશ્વભરમાં ભારત ‘ટેલેન્ટ નેશન’ તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે જેમાં દેશનાં યુવા ટેક્નોક્રેટ્સ, ઉદ્યોગ સાહસિકો અને સંશોધકોનો મહત્ત્વનો ફાળો Qછે. કોવિડના સંકટ વચ્ચે ટેક્નોલોજીનો ઉપયોગ દેશ માટે એક આશીર્વાદરૂપ બન્યો છે. તેઓએ વિદ્યાર્થીઓને ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને ડિજિટલાઇઝેશન ક્ષેત્રે સંશોધનથી આગળ વધવા આહવાન કર્યું હતું અને ચારુસેટે અપનાવેલા મૂલ્યોની પ્રશંસા કરી હતી.
ચારુસેટના રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશીની આગેવાનીમાં દીક્ષાંત શોભાયાત્રા થઇ હતી જેમાં ચારુસેટ અને ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ તેમજ સમારોહ અધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી, કેળવણી મંડળના માનદ્ મંત્રી ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ નગીનભાઈ પટેલ, ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાને રહેલા સુવર્ણચંદ્રકધારકો અને પી.એચ.ડી. પદવીધારકો જોડાયા હતા.
ચારુસેટના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશીએ મંચસ્થ મહાનુભાવો - આમંત્રિતોનું સ્વાગત કરીને મુખ્ય મહેમાનોનો પરિચય આપ્યા પછી સંસ્થાની પ્રગતિનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. સંસ્થાના અધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલે પદવીદાન સમારોહ ખુલ્લો મૂક્યો હતો.
૧૮૧૩ વિદ્યાર્થીઓને પદવીઓ
સમારોહમાં ૧૮૧૩ વિદ્યાર્થીઓને પદવીદાન સાથે વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ૩૦ ગોલ્ડમેડલ સાથે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. પદવીદાન સમારોહમાં યુનિ.ની ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર એપ્લિકેશનના ૩૧૩, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડિઝના ૧૯૭, ફેકલ્ટી ઓફ ફાર્મસીના ૧૨૮, ફેકલ્ટી ઓફ એપ્લાઇડ સાયન્સિસના ૨૮૫, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગની વિવિધ છ વિદ્યાશાખાઓનાં ૮૯૦ અને ૨૭ પી.એચ.ડી. વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ હતી.
સુરેન્દ્રભાઈ પટેલે સંબોધન કર્યું હતું કે, સફળતા અને નિષ્ફળતા જીવનનો ભાગ છે ત્યારે આ બંનેથી વિચલિત થયા વગર સમાજોપયાગી કાર્યમાં પરોવાયેલા રહેવું જોઈએ. સમારોહનું સંચાલન PDPIASના ડો. અદિતિ બુચ અને CIPS ના ડો. ધારા પટેલે કર્યું હતું. સમારોહની આભારવિધિ ડો. દેવાંગ જોશીએ કરી હતી.
સંકલ્પદાનમાંથી દાતા દ્વારા ચેક
પદવીદાન સમારોહમાં રમણભાઈ શનાભાઈ પટેલે (ચકલાસી) રૂ. એક કરોડના સંકલ્પ દાનમાંથી રૂ. ૧૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો. ઉપરાંત ગોલ્ડ મેડલ માટે કેળવણી મંડળના ટ્રસ્ટી વિષ્ણુભાઈ પટેલે (મહેળાવ) રૂ. પાંચ લાખનું દાન તેમજ માતૃસંસ્થાના વાઈસ પ્રેસિડન્ટ નવનીતભાઈ પટેલે (અજરપુરા) રૂ. પાંચ લાખનું દાન આપ્યું હતું.