વડોદરાઃ વડોદરા શહેરની વચ્ચેથી વહેતી વિશ્વામિત્રી નદી જાણે મગરોનું ઘર છે. છેલ્લા કેટલાક વર્ષોથી અહીં રહેતા મગરોની વસતીમાં ભારે વધારો નોંધાયો છે. લોકડાઉન લાગુ થયા પહેલાં વન વિભાગ દ્વારા વડોદરા શહેર-જિલ્લામાં મગરોની સંખ્યા જાણવા માટે ગણતરી કરવામાં આવી હતી. આ ગણતરીનો અહેવાલ તૈયાર કરીને વન વિભાગે સરકારને તાજેતરમાં સુપરત કરી દીધો છે. અહેવાલ પ્રમાણે વડોદરા શહેર-જિલ્લામાં વિશ્વામિત્રી નદી સહિતના વિવિધ જળાશયોમાં મગરોની સંખ્યા વધીને લગભગ ૧૦૦૦ પર પહોંચી છે. આ ગણતરીમાં પુખ્ત વયના મગરો તેમજ મગરોનાં બચ્ચાંને પણ ગણતરીમાં લેવામાં આવ્યા હતા.