વડોદરાઃ વિશ્વના ૧૯૩ દેશોના અલભ્ય ચલણી સિક્કા અને નોટોનું પ્રદર્શન માંજલપુરના તુલસીધામ ચાર રસ્તા પાસે ટીજેએસબી સહકારી બેન્કમાં રવિવારે યોજાયું હતું. આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરાયેલી વેસ્ટ ઇન્ડિઝ અને ઇન્ડોનેશિયાની ભગવાન કૃષ્ણ અને ગણેશજીના ચિત્રોવાળી નોટો આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ પ્રદર્શનમાં ભારત સહિત અન્ય જુદા જુદા દેસોની વિવિધ રંગની તથા અલગ અલગ સાઈઝની અને જુદા જુદા મૂલ્યો ધરાવતી નોટો પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મહાપુરુષોના છાયાચિત્રોવાળી દુર્લભ અને ઐતિહાસિક ચલણી નોટો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
ઇ.સ. ૧૯૭૮ની સાલમાં ભારતીય ચલણમાંથી રદ કરાયેલી રૂપિયા એક હજારની નોટ પણ જોવા મળી હતી. ભારતીય રિઝર્વ બેન્કમાં માત્ર ૧૪ દિવસ માટે ગવર્નરપદે રહેલા અમિતાભ ઘોષની સહીવાળી ચલણી નોટ પણ હતી. છત્રપતિ શિવાજી મહારાજ, અકબર અને ઔરંગઝેબના શાસનકાળના પ્રચલિત ઐતિહાસિક ચલણી સિક્કાઓ પણ પ્રદર્શનમાં મુકાયા હતા.
ચલણી નોટોના યોજાયેલા આ પ્રદર્શનમાં ઝિમ્બાબ્વે દ્વારા બહાર પાડવામાં આવેલી તેમજ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવતી તથા હાલમાં ચલણમાં વપરાતી ૧,૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ (એકની પાછળ ૧૪ મીંડા ધરાવતી ઝિમ્બાબ્વે ડોલરની ચલણી નોટનું દર્શકોમાં ભારે આકર્ષણ રહ્યું હતું.