વડોદરાઃ માંજલપુર વ્રજધામ મંદિરનાં સ્થાપક અને વૈષ્ણવાચાર્ય પૂ. ઇદિંરાબેટીજીની તબિયત લથડતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં તેઓ હાલ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે. તેમની તબિયત અંગે ચિંતિત વૈષ્ણવોએ માંજલપુર વ્રજધામ સહિતના સ્થળોએ ૨૪ કલાક શ્રીકૃષ્ણ શરણ મમઃના જાપ કરી રહ્યા છે. ગુરુવારે મોડી સાંજે વ્રજધામના ગાદીપતિ વ્રજરાજકુમારજી પણ અમેરિકાથી વડોદરા દોડી આવ્યા છે.
પૂ. ઇંદિરાબેટીજી (‘જીજી’) ડાયાબિટિસ, બ્લડપ્રેશર અને પલ્મોનરી હાઇપર ટેન્શનની બીમારીથી પીડાય છે. ૨૭ જુલાઇએ સવારે તેમની તબિયત લથડી હતી. આથી ખાનગી હોસ્પિટલમાં તેમનાં એક્સ-રે સહિતના રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બપોરે દોઢ કલાકે તેમની તબિયત વધુ લથડતાં બેન્કર્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર મુકવામાં આવ્યા છે. નાજૂક તબિયતમાં સાધારણ સુધારો નોંધાયો છે.
પૂ. જીજીની તબિયતના સમાચારની જાણ થતાં ભાવિકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે ઉમટી પડયાં હતાં, જ્યારે ભાવિકોએ શ્રી કૃષ્ણ શરણ મમઃના જાપ અને પાઠ કરી રહ્યા છે. પૂ. જીજીની તબિયત લથડતાં અમેરિકાના પ્રવાસે ગયેલા વ્રજધામના ગાદીપતિ વ્રજરાજકુમારજી પણ પરત વડોદરા પહોંચી ગયા છે. ૩૫ વર્ષથી જીજીની સારવાર કરતાં અમેરિકાના કાર્ડિયોલોજિસ્ટ ડો. બિંદુ કુમારને પણ બોલાવવામાં આવ્યા છે.
હૃદય એક તબક્કે બંધ પડી ગયું હતું
૨૭ જુલાઇએ બપોરે પૂ. ઇંદિરાબેટીજીની તબિયત વધુ લથડતાં તેમને હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લેવાયો હતો. તેમને વ્રજધામમાંથી હોસ્પિટલ લાવવા માટે ગયેલા હાર્ટ ઇન્સ્ટિટયૂટના તબીબે જ્યારે પૂ. જીજીને તપાસ્યાં ત્યારે તેમનું હૃદય બંધ થઇ ગયું હતું. તેમને કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન અપાતાં હૃદય ચાલુ થઇ ગયું હતું. એમ્બ્યુલન્સમાં પણ તેમને આ સારવાર ચાલુ રાખીને જૂના પાદરા રોડ પરની હોસ્પિટલમાં આઇસીયુમાં ખસેડાયાં હતાં. જ્યાં તેઓ બેશુદ્ધ છે. જોકે, હૃદય હવે પૂર્ણ કાર્યરત થઇ ગયું છે. હાલ તેઓ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર છે, તેવું ડો. દર્શન બેન્કરને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું.
સોશિયલ મીડિયામાં પ્રાર્થનાના મેસેજ
વૈષ્ણવાચાર્ય પૂ. જીજીનાં સ્વાસ્થ્યમાં જલદી સુધારો થાય તેવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરતાં મેસેજ સોશ્યલ મીડિયા પર શરૂ થયાં છે. વિશ્વભરમાં રહેતા વૈષ્ણવોએ પૂ. જીજીનું સ્વાસ્થ્ય જલદી સુધરી તે માટે પ્રાર્થના કરતાં મેસેજ વોટસએપ પર ફરતા કર્યા છે.