વડોદરાઃ વ્રજધામ સંકુલના સ્થાપક ઇન્દિરાબેટીજી (જીજી)એ તેમના વસિયતનામામાં તેમના ઉત્તરાધિકારી વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીને સલાહ આપી હતી તે અંગત દ્રવ્ય (સંપત્તિ)ને વ્રજધામ સંકુલ ટ્રસ્ટમાં આપીને નિર્મોહી જીવન જીવવું. ૧૬મી ઓક્ટોબરે વ્રજરાજકુમારજીએ જીજીની આજ્ઞેનું પાલન કરતાં સંપત્તિ ટ્રસ્ટના નામે કરી દીધી હતી.
લક્ષ્મીવિલાસ પેલેસ બરોડા ગોલ્ફ કલબ ખાતેના જીજીના હૃદયાંજલિ કાર્યક્રમ પૂર્વે વ્રજધામ ખાતે પત્રકારોને સંબોધતા ટ્રસ્ટી નયન ગાંધી તેમજ હસમુખભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે, આત્મધર્મ કરતાં બલિષ્ઠ છે. પોતાની પાસે જે પણ ચલ-અચલ સંપત્તિ છે. તે મૂળ વૈષ્ણવો સહિત ભાવિકોની હોવાનું ચરિતાર્થ કરનાર જીજીએ પોતાના જીવનકાળ દરમિયાન ૭૫ ટકાથી વધુ સંપત્તિનો ઉપયોગ માનવ કલ્યાણ કાર્યોમાં કર્યો હતો. જેના સ્મૃતિચિહનરૂપે જીજીના ઉત્તરાધિકારી વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમરાજીએ વસિયતમાં પોતાને અંગત મળેલાં દ્રવ્ય પૈકી ૪૦ ટકા પુષ્ટિમાર્ગના પ્રચાર-પ્રસાર માટે તેમજ ૬૦ ટકા માનવ કલ્યાણના કાર્યો માટે બંને ટ્રસ્ટમાં પરત કરી દઈને પોતાના નિર્મોહી સ્વભાવના દર્શન કરાવ્યા છે. વ્રજધામના ટ્રસ્ટી શર્મિષ્ઠાબહેન વકીલે જણાવ્યું હતું કે પૂ. જીજીએ ત્યાગપૂર્ણ અને સાદગીપૂર્ણ જીવન જીવ્યું ન હોત તો અધધ સંપત્તિ હોત, પરંતુ જીજીએ સ્થાવર જંગમ મિલકતોમાં અંગત સ્વાર્થ રાખ્યો નહોતો. તેમને અનુસરતાં જ કુમારે પણ રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ, કિંમતી ભેટ-સોગાદો (પ્રસાદી-વસ્ત્ર આદિ) જરૂરિયાતમંદ માટે મોકલાવી આપ્યાં છે.