સુરત: ‘મારુતિ વીર જવાન ટ્રસ્ટ’ દ્વારા સુરતમાં કથાકાર મોરારિબાપુની ઐતિહાસિક રામકથાનું આયોજન ૩જી ડિસેમ્બરથી કરાયું હતું. આ રામકથાનો મુખ્ય હેતુ દેશના શહીદ વીર જવાનોના પરિવાર માટે ફંડ એકત્રિત કરવાનો હતો. ચોંકાવનારી વાત એ છે કે રામકથા પૂર્ણ થયાના બે દિવસ સુધી દાનમાં આવેલા કરોડો રૂપિયાની ગણતરી ચાલી હતી. આ ઘટનાના વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે. ૧૦ દિવસ ચાલેલી રામકથામાં આશરે ૧૨ લાખ શ્રોતાઓ હાજર રહ્યા હતા અને આ શ્રોતાઓએ કુલ આશરે ચાર કરોડનું દાન કર્યું હતું. આ રકમમાં ચેક દ્વારા મળેલા દાનનો સમાવેશ કરાયો નથી. રોજેરોજ રામકથામાં દસ રૂપિયાની નોટોથી માંડીને પાંચસો બે હજારની કેશને ગણવા માટે ૫૦ લોકો કાર્યરત કરાયા હતા.