ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળની સ્થાપનાના રજતજયંતી વર્ષ નિમિત્તે ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટીમાં આવેલી દેવાંગ પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ ટેકનોલોજી એન્ડ રિસર્ચ (ડેપસ્ટાર)નો લોકાર્પણ સમારંભ આધ્યાત્મિક ગુરુ અને કથાકાર મોરારિબાપુના સાંનિધ્યમાં આઠમી ફેબ્રુઆરીએ ચારુસેટ કેમ્પસમાં યોજાયો હતો. લોકાર્પણ સમારંભની સાથે ડેપસ્ટારનો પ્રથમ વાર્ષિકોત્સવ પણ ઊજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે આશીર્વચન પાઠવતાં મોરારિબાપુએ જણાવ્યું હતું કે, શીલવાન વ્યવસ્થા, અવસ્થા અને આસ્થા ધરાવતી સંસ્થા પ્રગતિ કરતી રહે છે. શૈક્ષણિક, ધાર્મિક, રાજકીય, સામાજિક કોઈપણ સંસ્થા હોય તેના માટે તે મોટું પ્રેરકબળ બને છે.
મોરારિબાપુના વરદ્ હસ્તે ડેપસ્ટારનું લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે દેવાંગ પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ ટેકનોલોજી એન્ડ રિસર્ચ (ડેપસ્ટાર)ના ચીફ પેટ્રન દાતા દેવાંગ પટેલ (ઈપ્કોવાળા) અને અનિતાબહેન પટેલ ખાસ ઉપસ્થિત હતા.
અતિથિવિશેષ તરીકે ચારુસેટ કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, માતૃસંસ્થા અને સીએચઆરએફના પ્રમુખ નગીનભાઈ પટેલ, માતૃસંસ્થા-કેળવણી મંડળ અને સીએચઆરએફના માનદ મંત્રી ડો. એમ સી પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. પંકજ જોષી અને અગ્રણી ઉદ્યોગપતિ દાતા મનુભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા.
ચારુસેટમાં સ્થપાયેલી આઠમી ઈન્સ્ટિટ્યુટ ડેપસ્ટારની સ્થાપના ૨૦૧૭માં થઈ હતી. જે ઈન્ફર્મેશન કમ્પ્યુટર ટેકનોલોજી શિક્ષણને ઉત્તેજન આપે છે. ડેપસ્ટારમાં કુલ ૧૨૦ બેઠક કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ૬૦ બેઠકો ઈન્ફર્મેશન ટેકનોલોજી અને ૧૨૦ બેઠક કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગની છે.
વાર્ષિકોત્સવ નિમિત્તે કરાયેલી ઉજવણીમાં વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ ઈન્સ્ટિટ્યુટના પ્રાધ્યાપક ડો. અમિત ગણાત્રા દ્વારા રજૂ કરાયો હતો. આ સમારંભમાં યુનિવર્સિટીની પરીક્ષામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરનારા ડેપસ્ટારના વિદ્યાર્થીઓને ઈનામો અને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. લોકાર્પણ સમારંભમાં ચારુસેટ સહિત કેળવણી મંડળ માતૃસંસ્થા સીએચઆરએફના પદાધિકારીઓ, ચારુસેટના રજિસ્ટ્રાર, ડો. દેવાંગ જોષી, વિવિધ ફેકલ્ટીના ડીન, અધ્યાપકો, વિદ્યાર્થી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
મોરારિબાપુએ જણાવ્યું હતું કે, ચારુસેટ યુનિવર્સિટીમાં પગ મૂકતાં જ મને શીલવાન વ્યવસ્થાના દર્શન થયા છે તે મારા માટે આનંદની બાબત છે. મોરારિબાપુએ ચરોતરની ભૂમિને સંતો-મહાપુરુષોની ભૂમિ તરીકે ઓળખાવતાં કહ્યું કે, આ ભૂમિ સંતરામ મહારાજ અને સરદાર પટેલની ભૂમિ છે અને આ ભૂમિનું બળ છે જે શીલવાન વ્યવસ્થા-અવસ્થા-આસ્થાના દર્શન કરાવે છે.
જે સંસ્થામાં શીલવાન વ્યવસ્થા હોય, ટ્રસ્ટીઓમાં અવસ્થા હોય, મૂલ્યનું ધોરણ હોય તે સંસ્થા નિરંતર પ્રગતિ કરે છે. દાતા પ્રત્યે પોતાનો પ્રતિભાવ રજૂ કરતાં કહ્યું કે, દેવાંગભાઈ પટેલ (ઈપ્કો પરિવાર)એ સંતરામ મહારાજની કૃપાથી નિમિત્ત બની શિક્ષાના યજ્ઞમાં આહુતિ આપી છે. કોઈપણ પરમતત્ત્વના પ્રત્યેની આસ્થા હોવી જોઈએ તે સંસ્થા પ્રગતિ કરે છે. આ સંસ્થામાં મને તેજ દેખાઈ રહ્યું છે. ઈપ્કો પરિવાર દ્વારા આ દાન સભાનતાથી આપવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓને મોરારિબાપુએ શીખ આપતાં કહ્યું કે, શિક્ષા અને દીક્ષા માટે સીધા જવું જોઈએ. તમે ગમે ત્યાં જાવ પણ ગુજરાતીપણું અને ભારતીયપણું ન ભૂલશો. અકબંધ રાખજો. ખૂબ અભ્યાસ કરી ઉચ્ચ સ્થાને પહોંચો અને પ્રગતિ કરો તેવી શુભકામના.
સમારંભના અધ્યક્ષસ્થાનેથી બોલતા સુરેન્દ્ર પટેલે કહ્યું કે, ચારુસેટની કોઈપણ સંસ્થા સંતોના આશીર્વાદથી શરૂ થાય છે. જેથી કેમ્પસમાં આધ્યાત્મિક વાતાવરણ રહે છે. દાતાઓના ભાવ સાથે દાન આપે છે તેનાથી દાન ઊગી નીકળે છે. દાતાઓના દાનથી ચારુસેટ પ્રગતિ કરી રહ્યું છે ત્યારે અમારા પર સદાય પ્રેમ વરસાવતા રહો તેવી આશા છે. ચારુસેટના રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશીએ આ કાર્યક્રમની આભારવિધિ કરી હતી.