સિદ્ધપુરઃ દેશભરમાં સિદ્ધપુર શહેરનું બિંદુ સરોવર માતૃ શ્રાદ્ધ વિધિ માટે જાણીતું છે. શ્રાદ્ધ પક્ષમાં હજારોની સંખ્યામાં લોકો માતૃગયા કરી માતાના ઋણમાંથી મુક્ત બન્યાનો અહેસાસ કરે છે. સોમવારે ભાદરવા નોમ (સૌભાગ્યવતી નૌમ) દિવસે સિદ્ધપુરમાં અંદાજે ૪૦ હજાર લોકો માતૃતર્પણ વિધિ કરાવી હતી. શ્રાદ્ધ પક્ષ દરમિયાન સિદ્ધપુર શહેરમાં હજારો લોકો આવતા હોવાથી અહીંના ભૂદેવો, તથા અન્ય નાના વેપારીઓની આવકમાં અન્ય દિવસોની સરખામણીએ વધારો થાય છે. ભૂદેવોને શ્રાદ્ધના આ ૧૫ દિવસોમાં આખા વર્ષની સરખામણીએ ૬૦ ટકા જેટલી વધુ આવક થાય છે.
સિદ્ધપુરમાં કર્મકાંડ કરતા તમામ ભૂદેવો સમગ્ર વર્ષની સરખામણીએ ૧૫ દિવસમાં ૬૦ ટકા વધુ દક્ષિણા સ્વીકારે છે તેમ સિદ્ધપુરના ગોર મંડળના સભ્ય કિરણ શાસ્ત્રી જણાવે છે. તેમના જણાવ્યાનુસાર, સિદ્ધપુરમાં ગોરમંડળના ૪૦ ભૂદેવો સહિત ૩૦૦ જેટલા ભૂદેવો કર્મકાંડ કરે છે. દર વર્ષે ૫૦થી ૧૦૦ જેટલા ભૂદેવો કર્મકાંડમાં જોડાય છે. માતૃતર્પણ વિધિ કરાવતા પરિવાર પાસેથી સવા રૂ. સવા લાખ સુધીની દક્ષિણાનો સ્વીકાર કરવામાં આવે છે. શ્રાદ્ધ પક્ષ સિવાય કારતક, ચૈત્ર અને ભાદરવાના અન્ય દિવસોમાં પણ કર્મકાંડ થકી આવક થતી હોય છે. આ વર્ષે શ્રાદ્ધ પક્ષના ૧૫ દિવસ દરમિયાન ૨ લાખથી વધુ લોકો માતૃગયા માટે આવ્યાનો અંદાજ છે.
શ્રાદ્ધની વિધિ દરમિયાન મુંડન એક સંસ્કાર છે. શ્રાદ્ધના ૧૫ દિવસ દરમિયાન ૫૦થી વધુ લોકો સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે એક સાથે બેસીને યજમાનોનું મુંડન કરતા હોય છે. આ દિવસોમાં તેમની કમાણી વર્ષના અન્ય દિવસોની સરખામણીએ વધી જાય છે. ભારત વર્ષનાં ચાર મુખ્ય સરોવર પૈકી સિદ્ધપુરનું બિંદુ સરોવર એ હિન્દુ ધર્મના પવિત્ર તીર્થોમાંનું એક છે.