આણંદઃ છેલ્લાં ૪૦ વર્ષથી ચરોતરમાં ભેદભાવ વગર અદ્યતન તબીબી સારવાર માટે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલ કટિબદ્વ રહી છે. રાજ્ય સરકારે આણંદ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે પણ શ્રી કૃષ્ણ હોસ્પિટલની પસંદગી કરી છે.
વિશ્વમાં કોરોનાના ફેલાવા અને ભય વચ્ચે શ્રી કૃષ્ણ હોસ્પિટલ જિલ્લાની એકમાત્ર પ્રાઇવેટ હોસ્પિટલ છે કે કોરોનાના દર્દીઓની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સરકાર અને જિલ્લા આરોગ્ય વિભાગના અધિનિયમને અનુસરીને હોસ્પિટલમાં ૧૦૨ આઇસોલેશન બેડની વ્યવસ્થા ઊભી કરાઈ છે. હોસ્પિટલના વેમેઇડ ક્રિટિકલ કેર સેન્ટરને કોવિડ-૧૯ સેન્ટર તરીકે તબદીલ કરાયું છે. તેમાં ચોવીસ કલાક ઇન્ટેન્સિવિસ્ટ ડોક્ટરની ટીમ, તાલીમ પામેલ નર્સ અને આઇ.સી.યુ સ્ટાફ દ્વારા કોવિડ-૧૯ના દર્દીઓને સારવાર આપવામાં આવે છે.
કોરોના વાઇરસના અંગે લોકસમુદાયમાં ઘણી જ મૂંઝવણો છે જેને દૂર કરવા માટે સંસ્થા સામાજિક દાયિત્વ તરીકે ગ્રામ્ય કક્ષાએ કોરોના વાઇરસના રોગ વિશેની સમજ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપે છે. આ ઉપરાંત ડાયાલિસિસ અને કેન્સરના દર્દીઓને તકલીફ ન પડે તે માટે ડાયાલિસિસ સેવાઓ, કેન્સર અને કાર્ડિયાક સેવાઓ પણ હોસ્પિટલમાં પૂરી પાડવામાં આવે છે.