આણંદ: કરમસદમાં આવેલી શ્રી કૃષ્ણ હોસ્પિટલના કાર્ડિયાક વિભાગ દ્વારા યમન (આરબ દેશ)ના ખેડૂત કુટુંબની ૨૭ વર્ષીય અને પાંચ બાળકની માતા અમરીયા હસન મહમદ થિકોલનું બેન્ટલ ઓપરેશન તાજતેરમાં કરાયું હતું. અમરીયાની હૃદય સુધી લોહી પહોંચાડતી મુખ્ય ધમની સાંકડી થઇ ગઈ હતી અને ફુગ્ગા જેવી ફૂલી ગઈ હતી. તેની મુખ્ય ધોરી નસમાં વાલ્વમાં છીદ્ર હતું. સામાન્ય રીતે મનુષ્યની મુખ્ય ધોરી નસ ૨૦થી ૩૦ મિમિની હોય તે અમરીયાની ૭૦ મિમિની થઇ ગઈ હતી. અમરીયાના કેસમાં સમયસર કાર્ડિયાક સર્જરી જરૂરી હોવાથી યમનથી શ્રી કૃષ્ણ હોસ્પિટલના કાર્ડિયાક સેન્ટરમાં સારવાર માટે લોજિસ્ટિક્સ સેવા અપાઈ હતી.
કાર્ડિયોથોરાસિક સર્જન
ડો. મનિષ તિવારી સહિત છ ડોક્ટર્સની ટીમ અને તાલીમ પામેલા કાર્ડિયાક નર્સના ટીમવર્કથી હોસ્પિટલમાં પ્રથમ વખત બેન્ટલ ઓપરેશન આશરે પાંચેક કલાકમાં સફળતાપૂર્વક પાર પડ્યું હતું. આ સર્જરીમાં બે કલાક સુધી દર્દીનાં હાર્ટને બંધ રાખીને મુખ્ય ધોરી નસ અને વાલ્વને બદલીને કૃત્રિમ ધોરી નસ અને મેટીલિટ વાલ્વ ફિટ કરાયાં હતાં. અમરીયાની સર્જરી પછી તે ઝડપથી રિકવર કરતાં તેને કાર્ડિયાક આઈસીયુમાંથી બીજે દિવસે ખસેડી લેવાઈ હતી.