આણંદઃ બાળ હૃદયરોગ સંબંધિત જટિલ કેસોની સફળ સારવાર માટે શ્રીકૃષ્ણ હોસ્પિટલે તેની સિદ્ધિમાં નવું સોપાન ઉમેર્યું છે. હોસ્પિટલના કાર્ડિયાક સેન્ટરે માત્ર ત્રણ માસની બાળકી પર જટિલ સ્વીચ સર્જરી અને હૃદયના વાલ્વને ફરી બેસાડવાની કામગીરી સફળતાપૂર્વક કરીને તેને નવજીવન બક્ષ્યું છે.
પૂરા માસે જન્મેલી મિનાક્ષીનો શારીરિક વિકાસ બહુ ધીમો હતો. તેમ જ તેને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હતી અને તેના હોઠ-નખ ભૂરાં પડી ગયા હતા. બોરસદના બાળરોગ નિષ્ણાતે મિનાક્ષીને વિશેષ સારવાર માટે શ્રીકૃષ્ણ હોસ્પિટલના કાર્ડિયાક સેન્ટરમાં લઇ જવા તેના માતા-પિતાને સલાહ આપી હતી. બાળ હૃદયરોગના જટિલ કેસમાં સફળ સારવાર માટે રાજ્યભરમાં જાણીતા આ સેન્ટરના નિષ્ણાતોએ પૂરતી તપાસ બાદ સર્જરીનો નિર્ણય કર્યો હતો. સફળ સર્જરી બાદ બાળકીની તબિયતમાં સુધારો થતાં હવે મિનાક્ષીને વેન્ટિલેટરથી બહાર કાઢવામાં આવી છે.
૧૦૦ એકરમાં ફેલાયેલું અને આધુનિક સાધનસુવિધાથી સજ્જ હોસ્પિટલ કેમ્પસ છેલ્લા ૩૬ વર્ષથી જરૂરતમંદ દર્દીઓને નિદાનથી માંડીને સારવારની સુવિધા પૂરી પાડે છે. ૬૦૦ બેડ ધરાવતી આ હોસ્પિટલમાં ખેડા અને આણંદ જિલ્લાની ત્રીજા ભાગની વસ્તી સારવાર માટે આવે છે. ગયા વર્ષે ૪.૫ લાખથી વધુ દર્દીઓએ અહીં સારવાર લીધી હતી.