• કિડની કૌભાંડનો આરોપી ઝડપાયોઃ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના નાનડા પડોળીમાં બેકાર યુવાનોને નોકરીની લાલચ આપીને મુંબઈ, દિલ્હી જેવા શહેરોમાં લઈ જઈને કિડનીને કાઢી લેવાતી હતી. પોલીસે કૌભાંડના મુખ્ય સૂત્રધાર અમિત રાઉતને તાજેતરમાં ઝડપીને આ મામલે ઉલટ તપાસ આદરી હતી. જોકે ટ્રેનના પ્રવાસ દરમિયાન અજમેર પાસે પોલીસને અંધારામાં રાખીને અમિત ફરાર થઈ ગયો હતો. જોકે રાજ્યની પોલીસ તેને ટ્રાન્સફર વોરંટથી ફરી પકડીને આ કેસમાં તપાસ આગળ વધારી છે.
• ગોધરાકાંડના વોન્ટેડ આરોપીની ધરપકડઃ આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ગોધરાકાંડના કેસમાં આજીવન સજા કાપી રહેલો અને ૨૦૧૩માં પેરોલ પર છૂટીને ભાગી ગયેલો આરોપી ગોધરાનો રહેવાસી ઈરફાન ઉર્ફે પાડો ઉર્ફે માસ્ટર સિરાઝ મહમદ શેખ આણંદમાં છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક કાર રોકીને એમાં સવાર બે માણસો ઉત્તર પ્રદેશના જુનૈદ અખ્તર અબ્દુલ હમીદ શેખ અને અન્ય એક (ઈરફાન)ની પૂછપરછમાં ઈરફાન પકડાયો હતો.
• પૂજાના નામે ભુવા દ્વારા મહિલા પર દુષ્કર્મઃ વડોદરાના ગોત્રીમાં રહેતી ત્રણ સંતાનોની ૪૦ વર્ષીય મહિલાને પતિ સાથે સતત ઝઘડા થયા કરતા હતા. મહિલાએ પૂજાપાઠથી ગૃહશાંતિ માટે રાજેશ સોલંકી નામના ભુવાનો સંપર્ક કર્યો. ભુવાએ મહિલાને બે વર્ષ પહેલાં કેફી પદાર્થયુકત પેંડો ખવડાવીને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ આચરતી વખતનું શૂટિંગ પણ ભુવાએ ઉતારી લીધું હતું. એ પછી મહિલા સાથે છેલ્લા બે વર્ષમાં ભુવો અવારનવાર દુષ્કર્મ આચરતો રહ્યો હતો. અંતે કંટાળીને મહિલાએ પોલીસમાં ફરિયાદ આપતાં ભુવાની ધરપકડ કરાઈ છે.