સંક્ષિપ્ત સમાચાર (દક્ષિણ - મધ્ય ગુજરાત)

Wednesday 17th April 2019 08:19 EDT
 

પાવાગઢમાં ચૈત્રી નવરાત્રીએ માઇભક્તો ઉમટ્યાઃ પાવાગઢમાં ચૈત્રી નવરાત્રીની નોમના રોજ અઢી લાખ કરતાં પણ વધુ માઇભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટી પડ્યું હતું. આના આગલા દિવસે આઠમના દિવસે પણ બે લાખથી ભક્તોએ માતાના દર્શનનો લાભ લીધો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા ચાર વાગે જ મંદિરના નિજ દ્વાર ખુલ્લા મૂકી દેવાતા ભક્તોને સરળતા પડી હતી. આઠમના પર્વે મંદિરમાં સવારે માતાજીની આરતી બાદ બપોરે પ્રસાદ ધરાવી સાંજે પાંચ કલાકે હવન કરીને શ્રીફળ હોમાયું હતું. નવરાત્રિ દરમિયાન અંદાજે આઠથી દસ લાખ યાત્રાળુઓએ માતાની પૂજા-અર્ચનાનો લાભ લીધો હતો.
ટેમ્પાની અડફેટે બે જૈન સાધ્વીનાં મોતઃ ઈન્દોરથી ભરૂચ જતા માર્ગ પર આવેલા અસુરિયા જૈન આશ્રમ ખાતે રાત્રિરોકાણ કર્યા બાદ વહેલી સવારે સુરત જવા રવાના થયેલા બે જૈન સાધ્વીજીને એક ટેમ્પો ચાલકે હડફેટે લેતાં બન્નેનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. ઈન્દોર ખાતેથી જૈન સાધ્વી સંયમ પ્રભાજી તથા રચના પ્રભાજી બંને નેશનલ હાઈવે-૪૮ પર આવેલા આશ્રમમાં રાત્રિરોકાણ કર્યા બાદ વહેલી સવારે વ્હિલચેર સાથે સુરત જવા નીકળ્યા હતા. અસુરિયા જૈન આશ્રમ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન વડોદરા તરફથી પૂરઝડપે આવેલા ટેમ્પોના ચાલકે તેમને હડફેટે લઇ લીધા હતા.
કટરથી તિજોરી કાપી રૂ. ૧૭ લાખના હીરાની ચોરીઃ કાપોદ્રામાં મોહનનગર ડાયમન્ડ એસ્ટેટ વિભાગ-૧માં જાનવી જેમ્સ નામના હીરાના કારખાનામાં રાત્રે ત્રાટકેલા તસ્કરો કટરથી તિજોરી કાપીને રૂ. ૧૭ લાખના હીરા ચોરી કરીને નાસી ગયા હતા. મોટા વરાછા ખાતે સિલ્વર મેગ્જીમામાં રહેતા કિર્તીભાઈ રામજી ભીકડિયનું કાપોદ્રામાં ડાયમન્ડ એસ્ટેટ વિભાગ-૧માં જાનવી જેમ્સના નામે હીરાનું કારખાનું છે. સવારે બધા કારખાને પહોંચ્યા ત્યારે ચોરી વિશે ખબર પડી હતી.
મિની બસનું ટાયર ફાટતા નીચે ઉતર્યાને ૬ને મોત મળ્યુંઃ નવસારી પાસેના ધોળાપીપળા ગામ નજીક રોડની સાઇડે ઉભેલા ટેમ્પો ટ્રાવેલરને ટેન્કર ચાલકે ટક્કર મારતા છ મુસાફરના મૃત્યુ નીપજ્યા હતા. ટેન્કરની ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પો પલટી ગયો હતો અને તેમાંથી ઉતરી બહાર ઉભેલા છ મુસાફરોને ગંભીર ઇજા પહોંચી. આમાંથી ત્રણનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. આમ ધ લાસ્ટ ટુર ટ્રાવેલના ટેમ્પોમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓ માટે આ યાત્રા અંતિમ બની રહી હતી. વેસુ ગામના લોકોનું એક જૂથ ધાર્મિક સ્થળોના પ્રવાસે નીકળ્યું હતું. તેઓ પ્રવાસ પૂરો કરીને રાત્રે ગામ પરત ફરતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter