• વડોદરાના હર્ષદત્ત પંડ્યાને રોવાન યુનિ.માં ‘સ્કોલર’ બહુમાનઃ અમેરિકાની રોવાન યુનિ.માં મૂળ વડોદરાના હર્ષદત્ત પંડ્યાની ‘સ્કોલર’ બહુમાન માટે પસંદગી થઈ છે. મૂળ વડોદરાના પણ હાલ યુએસની રોવાન યુનિ.ના પીએચડી રિસર્ચ ફેલો હર્ષદત્ત પંડ્યા લાંબા ગાળા પછી સ્કોલર તરીકે બહુમાન મેળવનાર ભારતીય છે. ૧૯મી મે ૨૦૧૭ના રોજ રોવાન યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હર્ષદત્તને સન્માનિત કરાશે. હર્ષદત્તે વર્ષ ૨૦૧૧માં વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજીમાંથી બી.ઇ. (સિવિલ)ની ડિગ્રી મેળવી હતી.
• વડોદરા શહેર કોંગ્રેસ પૂર્વપ્રમુખ અશ્વિન શાહનું નિધનઃ વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વપ્રમુખ તેમજ વરિષ્ઠ ધારાશાસ્ત્રી અશ્વિનભાઈ શાહનું ૧૩મીએ અવસાન થયું છે. સદગતની અંતિમયાત્રા રવિવારે વડોદરામાં તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અભ્યાસકાળથી જ તેઓએ રાજકારણમાં પગરણ માંડ્યા હતાં અને યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘમાં મહામંત્રી બન્યા હતા. એ પછથી યુનિ.માં સેનેટ તથા સિન્ડિકેટ સભ્ય પણ હતા. વડોદરા શહેર કોંગ્રેસમાં સતત ૧૪ વર્ષ સુધી તેઓ પ્રમુખ તરીકે હતા. આ ઉપરાંત વડોદરાની જાણીતી બેન્ક ધી બરોડા સિટી કો-ઓપરેટિવ બેન્કના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. સરદાર પટેલ ટ્રસ્ટ, ભારત સરકારના પ્રતિનિધિ તરીકે કંડલા ટ્રસ્ટ, સત્યમ્ શિવમ્ સુંદરમ્ ટ્રસ્ટ, ગોવર્ધનનાથજી હવેલીના ફાઉન્ડર ટ્રસ્ટી, વડુવાળા હોસ્પિટલ સહિત વિવિધ ટ્રસ્ટ ઉપરાંત સંસ્થાઓની સાથે તેઓ સંકળાયેલા રહ્યા હતા.