• ‘રઈસ’ વખતે રેલવે સ્ટેશનના કેસની તપાસઃ ફિલ્મ ‘રઇસ’ના પ્રમોશન વખતે શાહરુખ ખાન ઓગષ્ટ ક્રાંતિઃ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં વડોદરા પહોંચ્યો હતો. તેને જોવા માટેની ભીડમાં એકનું મોત થયું હતું અને કેટલાક ઘાયલ થયા હતા. આ ઘટનામાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન અને ફિલ્મનું પ્રમોશન કરનાર કંપની સામે ગુનો દાખલ કરવાના અભિપ્રાય સાથે તપાસ અધિકારીએ રેલવે પોલીસ વડાને રિપોર્ટ મોકલી આપ્યો છે. શાહરુખ અને ફિલ્મ પ્રમોશન કંપનીની પૂછપરછ માટે તાકીદ કરાઈ છે. ૨૪મી જાન્યુઆરીએ શાહરુખ અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસમાં મુંબઈથી દિલ્હી જતો હતો ત્યારે વડોદરા રેલવે સ્ટેશને તેને જોવા ભેગી થયેલી ભીડમાં એક વ્યક્તિનું મોત થયું તે અંગે વડોદરાના ન્યૂ સમા રોડના યુવકે કરેલી અરજીના સંદર્ભે કોર્ટે ૪૫ દિવસમાં તપાસ કરી રિપોર્ટ રજૂ કરવાનો હુકમ કર્યો હતો. તેની તપાસ થઈ રહી છે.
• દફ્તર પર અખિલેશના ફોટા અંગેની તપાસઃ કોંગ્રેસશાસિત છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા શાળા પ્રવેશોત્સવમાં પહેલા ધોરણના વિદ્યાર્થીઓ માટેનાં દફતરો પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ સુરતની છોટાલા એજન્સીને અપાયો હતો. તેવું આ કેસની તપાસમાં જાણવામાં આવ્યું છે. એજન્સીને રૂ. ૧૪ લાખના ખર્ચે ૧૨ હજાર દફતરોનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જ્યારે શાળાઓ ખૂલતાં દફ્તરો વિદ્યાર્થીઓને વહેંચવામાં આવ્યા ત્યારે તેની પર યુપીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવના ફોટો પર જિલ્લા શિક્ષણ શાખાના સ્ટિકરો ચોંટાડેલા હતા. તેથી આ મામલે વિવાદ ઊભો થયો હતો. હજી આ મામલાની વધુ તપાસ ચાલી રહી છે.