વડોદરાઃ સંખેડાના વતની અને અમેરિકામાં પરિવાર સાથે સ્થાયી થયેલી ઝારોલા પરિવારની મહિલા મંજુલાબહેને (ઉં ૭૨) કોરોના સામે ૩૦ દિવસની લાંબી લડત બાદ તાજેતરમાં અમેરિકામાં અંતિમ શ્વાસ લીધા હતાં. અમેરિકામાં મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા શાહ (ઝારોલા) પરિવારના સભ્યો સંખેડા પંથકમાં દાનવીર તરીકે ઓળખ ધરાવે છે.
મંજુબહેન ઓચ્છવલાલ દેસાઇનાં પુત્રી હતાં અને સંખેડાનાં ભૂપીનભાઇ શાહ (ઝારોલા) સાથે તેમનાં લગ્ન થયાં હતાં. ભૂપીનભાઇ અને મંજુલાબહેન વર્ષ ૧૯૭૦માં યુએસમાં સ્થાયી થયા હતાં. તેઓને સંતાનમાં પુત્ર નિમેશ અને પુત્રી નેહા છે. નોર્થ કેરોલીના સ્ટેટમાં સ્ટેટવિલમાં રહેતા આ પરિવારનાં સભ્યો જૂન મહિનામાં એક કાર્યક્રમમાં ગયા હતા ત્યાંથી મંજુલાબહેનને કોરોનાનો ચેપ લાગ્યો હતો. હોસ્પિટલમાં પ્રાથમિક તપાસમાં તેમની કિડની પણ ખરાબ થઇ ગઇ હોવાનું નિદાન થયું હતું. મંજુલાબહેનનું કોરોનાના કારણે અમેરિકામાં મોત થયું હોવાની જાણ થતા વડોદરા તેમજ સંખેડા પંથકમાં રહેતા તેમના સંબંધીઓમાં શોક વ્યાપી ગયો હતો.