નડિયાદઃ સંતરામ મંદિરના ફોન પર ૨૮મી માર્ચે રાત્રે ૯.૦૦ વાગ્યે ઘંટડી રણકી ત્યારે મંદિરનું રસોડું ૭૦૦૦ જેટલા શ્રમિકોને ટિફિન સેવા પૂરું પાડીને આટોપાઈ ગયું હતું. રસોઈયા અને સેવાકર્મીઓ પણ થાકીને સૂઈ ગયાં હતાં. સ્વયંસેવકને ફોન પર કોઈ વિવિશ રડમસ અવાજે સંદેશો મળ્યો કે ૪૦ જણનું એક શ્રમજીવી ટોળું ભૂખ્યું તરસ્યું નડિયાદની સીમમાં બેઠું છે. મંદિરના રસોડે તેની જમવાની સગવડ થશે? ફોનથી એ પણ જાણવા મળ્યું હતું કે ટોળું વહેલી સવારે તારાપુરથી ચાલતું ચાલતું નીકળી પડ્યું હતું અને નડિયાદની સીમમાં આવીને ભૂખ્યું તરસ્યું ફસડાઈ પડ્યું હતું. હવે તેમની શક્તિ સંતરામ સુધી પણ ચાલતા આવવાની નહોતી. એમાં વળી સ્થાનિક પોલીસે ટોળાબંધીમાં ચાલતાં શ્રમજીવીઓને રોક્યા હતા અને વળી આ ટોળામાં સ્ત્રીઓ, વૃદ્ધો અને બાળકો ઉપરાંત બે-ત્રણ મહિનાના નવજાત શિશુઓ પણ હતા. જેને હજી માતાના દૂધ સિવાય બીજું કાંઈ પીવાની ટેવ નહોતી. આ લોકો એટલા ભૂખ્યાં-તરસ્યાં હતાં કે એક જ ઘૂંટડે ચાર ડોલ પીવાનું પાણી ઊભા ઊભા જ ગટગટાવી ગયા હતા.
ઉત્તરસંડા રોડ પરના કોંકરણ હનુમાનજી મંદિરની બાજુની ખુલ્લી જગ્યામાંથી કોઈ દયાળુ રાહદારીએ આ ફોન કર્યો હતો. એ પછી મંદિરના કાર્યકર જિગર પટેલ અન્ય મિત્રો સાથે એમ્બ્યુલન્સ લઈને એ શ્રમજીવીઓને લેવા નીકળી પડ્યા. રાત્રે સાડા નવે ફરીથી મંદિરનું રસોડું ધમધમ્યું. ત્યાં તો અચાનક બીજા ૨૦ જેટલા પરદેશી શ્રમજીવીઓને સ્થાનિક પોલીસ સંતરામ મંદિર મૂકી ગઈ. દસ સાડા દસે આ ૬૦ જેટલા લોકો જમ્યા પછી એમને મંદિરની સ્કૂલ બસમાં બેસાડાયા અને એ સ્કૂલબસ પંચમહાલ તરફ જવા રવાના થઈ ગઈ.
લોકડાઉન દરમિયાન ૭૦૦૦થી વધુને બે ટંક ભોજન પહોંચાડાય છે
લોકડાઉન વચ્ચે નડિયાદ સંતરામ મંદિરના મહંત રામદાસજી મહારાની પ્રેરણાથી શ્રમજીવીઓ અને જરૂરિયાતમંદો માટે મફત ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. સંતરામ મંદિર તાજેતરમાં ૭૦૦૦ માણસો માટેની ટિફિન સેવા પૂરી પાડે છે. જેમાં ૯૦ નાના મોટા કાર્યકરો કામે લાગ્યા છે. જનસેવા એક જ પ્રભુસેવાના સૂત્રને ચરિતાર્થ કરતાં સંતરામ મંદિર ટ્રસ્ટ દ્વારા અતિમધ્યમ અને ગરીબ વર્ગને બે ટંક ભોજનની વ્યવસ્થા કરાઈ છે. આ ટિફિન સેવા વિતરણ દરમિયાન સંતો નિર્ગુણદાસજી મહારાજ, કૃષ્ણદાસજી મહારાજ વગેરેએ જાતે ઊભા રહીને આ નિઃશુલ્ક ભોજનનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં એક કુટુંબ દીઠ પાંચથી સાત જણા જમી શકે તેટલું ભોજન આપવામાં આવી રહ્યું છે. પ્રસાદની ભાવનાથી તૈયાર કરવામાં આવેલી વાનગી દાળ ભાતની સાથે રસાવાળું શાક અને ચોખ્ખા ઘીનો શીરો પણ અપાઈ રહ્યો છે. સાંજે ખીચડી શાક કે કઢી જેવો હળવો ખોરાક અપાય છે.
મંદિરમાં વર્ષોથી રસોઈઆ તરીકે સેવાકાર્ય બજાવતા ભગવતીભાઈ કહે છે કે, આ સેવા માટે વર્ષોથી શાકભાજી, અનાજ સહિતની સામગ્રી આસપાસના ખેડૂતો તો તેલ મસાલા વેપારીઓ જથ્થાબંધ પ્રમાણમાં દાન આપી જાય છે.