ન્યૂ જર્સીઃ મધ્ય ગુજરાતના નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના પ.પૂ. શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદ સાથે શ્રી સંતરામ ભક્ત સમાજ-યુએસએ દ્વારા તાજેતરમાં સંતરામ સત્સંગ (નં. 89)નું આયોજન થયું હતું. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સત્સંગ-આશીર્વચનનો લાભ લીધો હતો.
સંતરામ સત્સંગની શરૂઆત શ્રી વિષ્ણુસહસ્ત્ર નામ સ્ત્રોતમ્ અને શ્રી શિવ મહિન્મ સ્ત્રોતમ્ પાઠના સમૂહ સ્તવન દ્વારા કરાયું હતું. સત્સંગ દરમિયાન નડિયાદથી ટેલિફોન દ્વારા પ્રાતઃ સ્મરણીય પ.પૂ. શ્રી રામદાસજી મહારાજે આશીર્વચન આપ્યા હતા. ન્યૂ જર્સીમાં દર પાઠ સત્સંગ વેળા રાજભાઈ અને સ્મૃતિબેન પંડ્યા પરિવાર દ્વારા ભજન-સંગીતનો કાર્યક્રમ યોજાય છે. આ સત્સંગમાં 1100 જેટલા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ફિલાડેલ્ફીયા વિસ્તારમાંથી ચાર બસ આવી હતી. સત્સંગ-ભજન-સત્સંગમાં ઉપસ્થિત તમામ ભકતો માટે મહાપ્રસાદ અને બપોરના સમયે અલ્પાહારની વ્યવસ્થા કરાઇ હતી.
શ્રી સંતરામ ભક્ત સમાજ - યુએસએ દ્વારા વર્ષમાં ત્રણ વાર સત્સંગનું આયોજન હાથ ધરાય છે. આ માટે સંતરામ મંદિરની પ્રણાલિકા મુજબ સંતરામ ભક્ત સમાજ કે મંદિર તરફથી કોઈ પણ પ્રકારનું ભંડોળ ઉઘરાવવામાં આવતું નથી. હવે પછીનો દિવાળી સત્સંગ નવેમ્બર 9 - શનિવારના રોજ ઓલ્ડ બ્રિજ હાઇ સ્કૂલમાં યોજવામાં આવેલ છે. કાર્યક્રમની વધુ માહિતી સંતરામ મંદિરના ફેસબુક પેજ અથવા સંતરામની વેબસાઈટ ઉપરથી પણ પ્રાપ્ત થશે.