વડતાલ ખાતે ૪ ઓક્ટોબરે યોજાયેલ અખિલ ભારતીય પૂર્વ સૈનિક સેવા પરિષદના દ્વિતીય મહાસંમેલનમાં કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે ભાગ લીધો હતો. મહાસંમેલન પછી મીડિયા સાથેની ચર્ચામાં પારિકરે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં અત્યારે પરિસ્થિતિ સુધરી રહી છે અને ચાર વર્ષ પહેલાં જે હાલત હતી તેવી હવે રહી નથી. પાક.ના વડા પ્રધાન નવાઝ શરીફના સિયાચીન સરહદે ભારતીય સૈન્ય હટે તો બંને દેશો વચ્ચે સારા સંબંધો થાય તેવા વલણ અંગે તેમણે સ્પષ્ટ અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે, મારા દેશમાં સૈન્ય ક્યાં રાખવું તેનો નિર્ણય અમારે કરવાનો છે અને તેની સાથે પાકિસ્તાન કે નવાઝ શરીફને કોઈ લેવાદેવા નથી.
ખંભાત તાલુકા માર્કેટ યાર્ડમાં ભાજપનો વિજયઃ આણંદ જિલ્લાના ખંભાત એપીએમસી (માર્કેટયાર્ડ)ના ચેરમેનપદની ચૂંટણી ગત સપ્તાહે યોજાઇ હતી. જેમાં ભાજપના સહકારી અગ્રણી મયુરભાઈ રાવલ સર્વાનુમતે બિનહરીફ ચૂંટાયા હતા. આ સાથે જ ખંભાતની નગરપાલિકા, તાલુકા પંચાયત અને હવે માર્કેટ યાર્ડમાં ભાજપનું શાસન આવતાં સમગ્ર ખંભાત તાલુકામાં કોંગ્રેસનું ક્યાંય શાસન નથી. આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી પહેલાં જ સમગ્ર ખંભાત તાલુકાની સંસ્થાઓમાં ભાજપનો ભગવો લહેરાંતાં કોંગ્રેસ છાવણીમાં નિરાશા વ્યાપી છે.
શ્રાદ્ધ વિધિ માટે કરનાળી ખાતે શ્રદ્ધાળુઓનો ધસારોઃ દર વર્ષે શ્રાદ્ધના સમયે પિતૃ વિધિ માટે ચાંદોદ-કરનાળી જેવા તીર્થસ્થાનો પર શ્રદ્ધાળુઓનો ધસારો રહે છે. ચાંદોદ અને કરનાળીમાં નર્મદા કિનારે કુબેરભંડારીનું મંદિર છે. અહીં ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ છે. નર્મદા સાથે ઓરસંગ અને ગુપ્ત સરસ્વતી નદીઓના સંગમથી આ સ્થળનું મહત્ત્વ ખૂબ વધ્યું છે.