નડિયાદઃ તારાપુર ગામમાં સમાજના કુરિવાજ દૂર કરવા માટે છેલ્લા ૩૦૦ વર્ષથી એક પરિવાર પેઢી દર પેઢી નવરાત્રીએ ભવાઈના કાર્યક્રમ કરે છે. જેમાં ઘરના સભ્યો જ રાવણ, અંબા અને બહુચરાજીના પાત્રો ભજવે છે. ભવાઈમાં મનુષ્યની અંદર રહેલા રાવણનું દહન થાય અને માતાજીની ભક્તિ થાય તેવો સંદેશ અપાય છે અને સૌ ગામવાસીઓ પણ કાર્યક્રમમાં શક્ય રીતે જોડાય છે. નવરાત્રીમાં માતાજીની ભક્તિ માટે વડીલોએ આ ભવાઈ શરૂ કરી હોવાનું તારાપુરના વિજયભાઈ ભટ્ટ કહે છે. તેઓએ જણાવે છે કે, ભવાઈમાં કજોડાનો ખેલ (બાળલગ્નમાં બાળકીની આપવીતી), કંસારો (ધૂતારો), અસકલાલ (ઢોંગી સાધુ), દલિત (સિદ્ધરાજ જયસિંહ દ્વારા દલિત પ્રથા બંધ કરાઈ) જેવા ૨૫થી પણ વધારે પાત્રોની વાર્તાઓના ખેલ વર્ષોથી થતાં આવ્યાં છે અને એ પરંપરાને જીવતી રાખતાં આજે પણ નવરાત્રીમાં ગામમાં આઠમથી અગિયારસ સુધી ગ્રામજનો સમક્ષ આ વિષયો પર ભવાઈ રજૂ કરવામાં આવે છે. ભવાઈમાં જ મા અંબા-બહુચરના ગરબા પણ થાય છે.