આણંદઃ બાકરોલ ગામે સત્તાવીસ જૂથ વાળંદ પ્રગતિ કેળવણી મંડળે પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. આ સમૂહ લગ્નોત્સવનું ગણેશપૂજન મુસ્લિમ બિલ્ડર ઇનાયતખાન એસ. પઠાણે ભક્તિભાવથી કર્યું હતું. આ અંગે વાળંદ પ્રગતિ કેળવણી મંડળના પ્રમુખ ગુણવંતભાઈ વાળંદે જણાવ્યું હતું કે, સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું એ ગાળામાં ઇનાયતખાન પઠાણનો પરિચય થયો. નવવધૂઓને પોતાના તરફથી કંઈક ભેટ આપવા સાથે પ્રસંગમાં ગણેશપૂજન કરવાનો પ્રસ્તાવ તેમણે મૂક્યો. જે તમામે સ્વીકારી લીધો હતો. ૧૬મી ફેબ્રુઆરીએ સમૂહ લગ્નોત્સવમાં ગણેશ પૂજન કરાયું જેમાં ઇનાયતખાન સપરિવાર હાજર રહ્યા હતા.