દાહોદઃ જિલ્લાના દેવગઢ બારિયાના ધારાસભ્ય અને ગ્રામીણ વિકાસ રાજ્ય પ્રધાન બચુભાઈ ખાબડે કોરોના નાબૂદીના એક કાર્યક્રમમાં જાહેરમાં જણાવ્યું કે સરકારે ચિંતા કરીને દારૂ અને અન્ય વ્યવસ્થા તેમજ મફત અનાજ આપ્યું છે. ભાષણમાં દારૂની વ્યવસ્થાની વાત સાંભળતા જ લોકોને આઘાત લાગ્યો હતો. સોશિયલ મીડિયામાં બચુ ખાબડનો આ વીડિયો વાઈરલ થયો છે. દાહોદ જિલ્લામાં માસ્ક અને ઉકાળાના વિતરણ કરવા માટે ખાસ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આવો જ એક કાર્યક્રમ ૧લી મેના રોજ ફેતપુરા તાલુકામાં યોજાયો હતો. જેમાં બચુભાઈ ખાબડે રાજ્ય, કેન્દ્ર સરકાર તેમજ વહીવટી તંત્રએ કરેલી કામગીરીના વખાણ કર્યાં હતાં.
પરંતુ તેમણે દારૂની વાત કરતા સોપો પડી ગયો હતો. હાલમાં દેશભરમાં લોકડાઉન છે અને પ્રધાનમંત્રી, ગૃહ પ્રધાન અને મુખ્ય પ્રધાન લોકડાઉનનું ચુસ્ત પાલન કરવાનો આગ્રહ કરી રહ્યા હોવા છતાં આવા જાહેર કાર્યક્રમો કેવી રીતે યોજાય છે તે પ્રશ્વ મોટો છે.