વલ્લભ વિદ્યાનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની ૭૪મી પુણ્યતિથિ નિમિત્તે કરમસદ સ્થિત સરદારના નિવાસસ્થાનની શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મુલાકાત લીધી હતી અને સરદાર પટેલની તસવીર સમક્ષ શ્રદ્ધાસુમન અને ભાવાંજલિ અર્પણ કર્યાં હતાં. સાથોસાથ તેઓના ગૃહમાંનું પ્રદર્શન નિહાળ્યું હતું. ભૂપેન્દ્રસિંહ સાથે પૂર્વ સાંસદ દિલીપ પટેલ, વિપુલભાઈ પટેલ, પાલિકા પ્રમુખ નિલેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારો જોડાયા હતા.
ભૂપેન્દ્રસિંહજીએ આ મુલાકાત અંગે જણાવ્યું હતું કે, આઝાદી પ્રાપ્તિ માટે અને દેશના ૫૬૨ રજવાડાઓનું એકીકરણ અને તેમાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા વિશિષ્ટ હતી. તેમણે જણાવ્યું કે, રજવાડાના એકીકરણમાં ગુજરાતી એવા સરદાર પટેલે મહત્ત્વનું યોગદાન આપ્યું તો અખંડ ભારતના નિર્માણમાં પ્રથમ પોતાનું રજવાડું - ભાવનગર સ્ટેટ અર્પણ કરનાર મહાન રાજવી કૃષ્ણકુમાર સિંહજી પણ ગુજરાતી હતા. જ્યારે દુનિયાભરમાં સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સ્થાપનામાં મહત્ત્વની ભૂમિકા અદા કરનાર વડા પ્રધાન પણ ગુજરાતી છે. આમ ગુજરાતી હોવાનું ગૌરવ લેતા પ્રધાને જણાવ્યું કે, અનેક અવરોધો અને મુશ્કેલીઓ વચ્ચે અખંડ ભારતનું નિર્માણ થયું છે. આઝાદી પણ અનેક બલિદાનો બાદ પ્રાપ્ત થઈ છે. વર્તમાન સંજોગોમાં દેશને અસ્થિર કરવાના થઈ રહેલા પ્રયાસો સામે આક્રોશ વ્યક્ત કરતા પ્રધાને કહ્યું કે, આવા તત્ત્વોને ઓળખી લેવા અને તેઓને દેશભક્તિથી આવા તત્ત્વોને જવાબ આપવો જોઈએ.