કરમસદઃ સરદાર પટેલના નિવાસસ્થાને તેમની તસવીરની સામે મુકાયેલી અખંડજ્યોત ૧૯મી મેએ પુન: પ્રજવલિત કરાઇ હતી. આ ઉપરાંત નિવાસસ્થાને મૂકેલી દાનપેટી હટાવી દેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે સરદારના નિવાસસ્થાને તેમની તસવીર આગળ ૩૧ વર્ષથી પ્રજ્વલિત જ્યોત હટાવીને એલઇડી બલ્બ મુકાતાં લોકોમાં રોષ હતો.
સરદાર પટેલ સ્મારક ટ્રસ્ટના સેક્રેટરી એચ. એમ. પટેલે જણાવ્યું હતું કે, પ્રિવેન્શન ઓફ મોન્યુમેન્ટની ટીમે આગની સંભાવના જોતાં જ્યોત હટાવી વૈકલ્પિક વ્યવસ્થા સૂચવતા એલઇડી બલ્બ મુકાયો હતો તો સામે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત અને આણંદના સાંસદ દિલીપભાઈ પટેલે જ્યોત હટાવવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. એ પછી ૧૯મી મેએ બપોરે ૧ કલાકે સાંસદ દિલીપભાઈ પટેલની આગેવાની હેઠળ પાલિકાપ્રમુખ દર્શનાબેન પટેલ, ઉપપ્રમુખ નિલેશભાઈ પટેલ અને વડીલો સરદાર પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને સરદાર સાહેબની તસવીર સમક્ષ અખંડ જ્યોતને પુન: પ્રજવલિત કરી હતી.