કેવડિયા કોલોનીઃ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં આણંદ અને વડોદરાથી સરદાર પટેલના બૃહદ કુટુંબના ૩૭ સભ્યો હાજર રહ્યા હતા. તેઓને ગોલ્ડન પાસ આપીને
પ્રથમ હરોળમાં બેસાડવામાં આવ્યા હતા. તેમજ સરદાર પટેલના પરિવારના તમામ સભ્યોને કાયમ માટે પ્રોજેક્ટ ગેસ્ટ ગણવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ પ્રસંગે સરદાર પટેલના ભાઈના પૌત્ર ૯૧ વર્ષીય ધીરુભાઈ પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધી સરદાર પટેલને માન-સન્માન મળતું ન હતું. આ પ્રતિમા બનવાથી તેઓને યોગ્ય સન્માન મળ્યું છે. હું નાનો હતો ત્યારે સરદાર પટેલ સાથે અનેક કાર્યક્રમમાં જતો હતો. અગાઉનાં વર્ષોમાં ક્યારેય ન થયું હોય તેવું ખૂબ મોટું સન્માન કરાયું છે. હું અને મારું કુટુંબ ખૂબ જ આનંદ અને ગર્વ અનુભવીએ છીએ.
ચાણોદ અને વડોદરા ખાતે રહેતા તેમના પરિવારના સભ્યોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે સામુહિક ફોટો પડાવ્યો હતો. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે ખુશી તો છે, પરંતુ નાનકડું દુઃખ પણ છે કે વડા પ્રધાન મોદીને પ્રણામ કરવાનો મોકો ન મળ્યો કેમ કે તેમણે જ સરદાર પટેલની કદર કરી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી છે.
ધીરુભાઈ પટેલે એક સવાલના જવાબમાં કહ્યું હતું કે જો સરદાર જીવતા હોત તો કદાચ આ પ્રતિમા તેમણે ક્યારેય ના બનવા દીધી હોત. તેમને પ્રશ્ન પૂછાયો હતો કે પ્રતિમા માટે ૩૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. સરદાર પોતે આ પ્રકારની ઝાકઝમાળના વિરોધી હતા, શું સરદાર હોત તો તેઓ આવું સ્ટેચ્યૂ બનવા દેત? જેના જવાબમાં તેમણે આ વાત કહી હતી. જોકે સાથે સાથે તેમણે ઉમેર્યું હતું કે એક વાત તો સ્વીકારવી જ રહી કે સરદારનું સ્ટેચ્યૂ તેમના કાર્યો જેવું જ ભવ્ય બન્યું છે અને આ વાતની મને ચોક્કસપણે ખુશી છે.
ઉર્મિલાબેનની આંખો છલકાઇ
સરદાર પટેલના પરિવારના જે સભ્યો લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેમાં સરદારના નાના ભાઈ કાશીભાઈના પૌત્રી અને હાલ વડોદરામાં વસતાં ઉર્મિલાબેનનો પણ સમાવેશ થતો હતો. સરદારની ભવ્ય પ્રતિમા અને આ પ્રકારે સન્માનથી તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. તેમણે કહ્યુ હતુ કે જ્યારે સરદાર ગંભીર રીતે બિમાર હતા ત્યારે દેહ છોડતા પહેલા તેમણે તેમના પુત્રી મણીબેનને અમારા પરિવાર સાથે જ રહેવા માટે કહ્યું હતું. મણીબેન અમારા પરિવાર સાથે રહ્યા હતા. તેથી જ તેમની સાદગીના ગુણો અમારામાં ઉતર્યા છે.
ઉર્મિલાબેને કહ્યુ હતુ કે સરદારની સાદગીની પરંપરા અમે પણ જાળવી રાખી છે અને તેથી જ અમે ક્યારેય રાજકારણમાં આવ્યા નથી અને ક્યારેય સરદારના નામનો ઉપયોગ કર્યો નથી.