કેવડિયા કોલોનીઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં યોજાયેલી ૮૦મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદના સમાપન સત્રને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય નાગરિકોના સરળ જીવનમાં અવરોધ ઉભા કરતા જૂના કાયદાઓનું નવીનીકરણ કરવા માટે પીઠાસીન અધિકારીઓને આહવાન કર્યું છે. સાથે, તેમણે રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે એક રાષ્ટ્ર - એક ચૂંટણી સમયની માંગ હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ પરિષદમાં દેશભરના રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડા પ્રધાન મોદીએ ૨૬ નવેમ્બરે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સમાપન સમારોહને સંબોધન કરતાં ઉમેર્યું કે, સંવિધાન અને કાનૂની ભાષા સમજવી મુશ્કેલ છે. ત્યારે કાયદા અને સંવિધાનની ભાષા સામાન્યમાં સામાન્ય માનવી સમજી શકે એ માટેના સર્વગ્રાહી પ્રયાસો થાય તે જરૂરી છે. તમે જોયું હશે કે, કેન્દ્ર સરકાર દ્વારા જૂના જમાનાના અને વર્તમાન સમયમાં અપ્રસ્તુત હોય એવા અનેક કાયદાઓને દૂર કરવામાં
આવ્યા છે.
વડા પ્રધાને દેશના દરેક રાજ્યોમાં પણ જૂના કાયદાઓમાં બદલાવ લાવવાની હિમાયત કરતાં તેમાં વિધાનસભાના પીઠાસીન અધિકારીઓને પોતાની ભૂમિકા અદા કરવા માટે આહવાન કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, વન નેશન - વન ઇલેશન એ માત્ર ચર્ચાનો વિષય નથી. આજે દેશમાં દર માસે કોઇને કોઇ ચૂંટણીઓ થતી હોય છે. આવી ચૂંટણીને કારણે વિકાસની ગતિ અવરોધાય છે. ત્યારે પંચાયતથી માંડી લોકસભાની ચૂંટણી માટે એક જ મતદાર યાદી બને તે અંગે પીઠાસીન અધિકારીઓને માર્ગદર્શન આપી તે દિશામાં નેતૃત્વ કરવા જણાવ્યુ હતું. ભારતનું સંવિધાન ૨૧મી સદીના બદલાતા પ્રવાહો અને પડકારોને પહોંચી વળવા માટે પણ માર્ગદર્શન કરે છે, તેમ ઉમેર્યું હતું.
રાજનીતિથી કેટલું નુક્સાન થાય તેનું ઉદાહરણ સરદાર સરોવર પ્રોજેક્ટ
લોકહિત અને દેશહિતમાં રાજનીતિ હાવી થાય તો દેશને કેટલું નુકસાન થાય છે, તેનું ઉત્તમ ઉદાહરણ સરદાર સરોવર પ્રોજેક્ટ છે.
આમ કહીને વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટનું કામ આઝાદી બાદ તુરંત શરૂ કરવામાં આવ્યું હતું, પણ તેને પૂરૂ કરવામાં અનેક અડચણો અને રૂકાવટો આવી, તેને રોકવા માટે સંવિધાનનો પણ દુરૂપયોગ થયો. જેના કારણે વર્ષો સુધી આ પ્રોજેક્ટ લટકી રહ્યો હતો.
જનપ્રતિનિધિઓ શિષ્ટ સંવાદથી લોકસમસ્યા નિવારે: રાષ્ટ્રપતિ
કેવડિયાકોલોની ૨૫ઃ વિશ્વના અનેક દેશોમાં લોકશાહી સામે સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે ભારતની લોકશાહી અખંડ અને મજબૂત છે. ભારત લોકશાહીનું જનક છે. જનપ્રતિનિધિ સંસદીય પ્રણાલિકાનું પાલન કરે તેવું પ્રજા ઈચ્છે છે. આ વ્યવસ્થામાં વાદને વિવાદ ન બનાવીને સંવાદથી સમાધાન કરવું જરૂરી છે. શિષ્ટ સંવાદથી લોક સમસ્યાનું નિરાકરણ લાવી નિષ્પક્ષ કામગીરી કરે તે અતિ આવશ્યક છે, તેમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેવડિયા કોલોની ખાતે ૮૦મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફ્સિર કોન્ફરન્સમાં જણાવ્યુ હતું.
રાષ્ટ્રપતિ કોવિંદે જણાવ્યું હતું કે, દેવઊઠી અગિયારસના પાવન અવસરે સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં આજનો દિવસ ગૌરવપૂર્ણ છે. સરદાર સાહેબની પ્રતિમાને સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો દરજ્જો ઉચિત છે. વિઠ્ઠલભાઈ પટેલ કેન્દ્રીય વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ રહ્યા. જે સરદારના મોટાભાઈ અને ગુજરાતના હતા.
બે દિવસના આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, લોકસસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલા, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
લોકતંત્રના ત્રણ આધારસ્તંભ, સંવિધાન આધુનિક ગીતા: ઓમ બિરલા
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા મજબૂત લોકતંત્રના આધારસ્તંભ છે. સંવિધાન એ આધુનિક ગીતા છે અને એ આપણને રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યબોધ માટે પ્રેરિત કરે છે. બિરલાએ પીઠાસીન અધિકારીઓને સદનની ગરિમાને વધારવાના પ્રયાસો પર પણ ભાર મૂકવા જણાવ્યું હતું.