વડોદરાઃ સમગ્ર દેશમાં અમદાવાદમાં સ્થિત કંપની કો-સારા ડાયગ્નોસ્ટિક્સ પ્રાઈવેટ લિમિટેડને સૌ પ્રથમ કોરોના વાઈરસ સંબંધિત ટેસ્ટ કિટ બનાવવા માટેનું લાયસન્સ આપવામાં આવ્યું છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ અરજી ફેબ્રુઆરીમાં કરાઈ હતી, જેને મંજૂરી આપવામાં આવી છે.
કોરોના વાઈરસના ટેસ્ટ માટે આરટીઆર-પીસીઆર મશીનમાં વપરાતા રિએજન્ટ કિટ્સનુ ઉત્પાદન આ કંપની કરશે. સસ્તી અને સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેવી આ કિટ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના પ્રોફેસર મોદીની દીકરી મયુરંકીએ બનાવી છે. આ અંગે દેશની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની બાયોકોનના સ્થાપકે ટ્વિટર પર મયુરંકી મોદીને શુભેચ્છાઓ પણ પાઠવી છે. કો-સારા ડાયગ્નોસ્ટિક્સ કંપનીની નોંધણી અમદાવાદમાં જ થયેલી છે, પરંતુ તેનો પ્લાન્ટ વડોદરાના રાનોલીમાં છે. લાયસન્સ મળ્યાના એક મહિના પછી સીડીએસસીઓને કોરોના ટેસ્ટ કિટની મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી.
આ કંપની અમેરિકાના ઉતાહમાં સ્થિત કો-ડાયગ્નોસ્ટિક્સ કંપની અને ભારતની અંબાલાલ સારાભાઈ એન્ટરપ્રાઈઝ સાથે સંયુક્ત રીતે કામ કરશે. અમેરિકાની આ કંપની કોરોના વાઈરસ માટેની ટેસ્ટ કિટ બનાવે છે. હવે તે કો-સારા ડાયગ્નોસ્ટિક્સ સાથે મળીને ભારતમાં આ કિટનું ઉત્પાદન કરી શકશે. કો-સારા ડાયગ્નોસ્ટિક્સ ટૂંક સમયમાં કોરોના વાઈરસ માટેની ટેસ્ટ કિટનું ઉત્પાદન શરૂ કરી દેશે. આ ટેસ્ટ કિટ બેથી અઢી કલાકમાં પરિણામ આપશે. સામાન્ય રીતે આઈસીએમઆર અને તેની લેબોરેટરી પાંચ કલાકમાં ટેસ્ટનુ પરિણામ આપે છે. કંપનીનું કહેવું છે કે, સરકાર કોરોના ટેસ્ટ માટે વિદેશમાંથી જે કિટ મંગાવે છે, તેના કરતાં તેમની ટેસ્ટ કિટ ઘણી સસ્તી રહેશે. કોરોના વાઈરસના ટેસ્ટ માટે ઉપયોગમાં લેવામાં આવતા પોલીમેરાઝ ચેઈન રિએક્શન મશીનમાં નાસોફેરિન્જીઅલ, ઓરો-પેરિન્જીઅલ સ્વેબ અને સિરમ સેમ્પલ્સની તપાસથી કોરોના વાઈરસનું પરીક્ષણ કરવામાં આવે છે.