વડોદરાઃ રૂ. ૫,૪૦૦ કરોડના બેંક લોન કૌભાડમાં વડોદરા સ્થિત સ્ટર્લિંગ બાયોટેક કંપની સામે દેવાળિયાની પ્રક્રિયા બેંકો દ્વારા શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન સ્ટર્લિંગના સંચાલકો દ્વારા બેંકોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને બેંકોના બાકી લેણા પૈકી રૂ. ૩,૦૦૦ એસ્ક્રો એકાઉન્ટ (થર્ડ પાર્ટી એકાઉન્ટમાં) જમા કરાવીને કોર્ટ બહાર સમાધાન માટે કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્ટર્લિંગ બાયોટેક પાસેથી બાકી લેણા વસૂલવા માટે લેણદાર બેંકોએ ઇનસોલવન્સી એન્ડ બેંકરપ્ટસી કોડ (આઇબીસી) અંતર્ગત જૂન ૨૦૧૮થી કાર્યવાહી શરૂ કરી દીધી છે એટલે સ્ટર્લિંગ બાયોટેકના સંચાલકો નીતિન અને ચેતન સાંડેસરાને હવે પગ નીચે રેલો આવતા પોતાને દેવાળિયા જાહેર કરવાની આ પ્રક્રિયાને અટકાવવા માટે થર્ડ પાર્ટી એકાઉન્ટમાં એક સાથે રૂ. ૩,૦૦૦ કરોડ જમા કરાવીને હવે બેંકો સાથે દેવાળિયાનો તથા બેંક ફ્રોડના કેસ પરત ખેંચી લેવા અને કોર્ટ બહાર જ સમાધાન કરી લેવા માટે સાંડેસરા બંધુઓએ બેંકોનો સંપર્ક કર્યો છે.
સાંડેસરા બંધુઓની આ તૈયારીના પગલે ધ કમિટી ઓફ ક્રેડિટર્સ (સાંડેસરના લોન આપનાર બેંકોની કમિટી)ના લિગલ રિપ્રેઝન્ટેટિવ દ્વારા નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં જસ્ટિસ દુરઇસ્વામી અને જસ્ટિસ શ્રાવતની બેચને જાણ કરવામાં આવી છે કે સાંડેસરા બંધુઓ દ્વારા રૂ. ૩,૦૦૦ કરોડ ભરીને સમાધાન માટેની રજૂઆત આવી છે અને કમિટી ઓફ ક્રેડિટર્સના ૮૫ ટકા સભ્યોએ આ મામલે સહમતી આપી છે.
સાંડેસરા બંધુઓને કોર્ટ બહાર સમાધાન માટે કમિટી ઓફ ક્રિડિટર્સના ૯૦ ટકા સભ્યોની સહમતીની જરૂર પડશે. હાલમાં ૮૫ ટકા સભ્યોએ મંજૂરી આપી છે. આગામી દિવસોમાં અન્ય પાંચ ટકા સભ્યો પર નિર્ણય અંગે મદાર છે.